ખંભાળિયામાં પત્નીના વિયોગમાં જૂનાગઢના યુવાનની આત્મહત્યા
ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વતની એવા જયંતીલાલ રમેશભાઈ વાદી નામના 28 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે બીજા લગ્ન કર્યા હતા. હાલ તેમના પત્ની માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા. આ બાબતે જયંતીલાલ વાદીને મનમાં લાગી આવતાં તેમણે કંટાળીને પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના માતા માલીબેન રમેશભાઈ ભુરાભાઈ વાદી (ઉ.વ. 52) એ અહીંની પોલીસને કરી છે.
ઓખામાં માછીમાર વૃદ્ધને હૃદયરોગનો હુમલો
નવસારી જિલ્લાના ટીગરાગામ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ગોપાળભાઈ પ્રકાશભાઈ હિંગળા નામના 62 વર્ષના માછીમાર વૃદ્ધ ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમની નાદુરસ્ત તબિયત વચ્ચે બોટની કેબિનમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે કોઈપણ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મહેશભાઈ હીરુભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
એડવોકેટને ધમકી
ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વેજાણંદભાઈ આંબલીયા નામના 38 વર્ષના યુવાન તેમના એક્સેસ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અહીંના મિલન ચાર રસ્તા નજીક જી.જે. 03 કે.પી. 0066 નંબરના એક મોટરકારના ચાલકે સંજયભાઈના મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. જેથી સંજયભાઈ કાર ચાલક વડત્રા ગામના મુરુભાઈ ચાવડાને સમજાવવા જતા તેણે સંજયભાઈને કારમાંથી ધોકો બતાવી અને મારવાની કોશિશ કર્યાની તેમજ આજે તો તને જવા દઉં છું, બીજી વાર ભેગો થયો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે મુરુભાઈ ચાવડા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.