પત્નીના આડાસંબંધથી કંટાળી જૂનાગઢ એસટી કર્મચારીનો ઝેર પી લઇ આપઘાત
જુનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા 44 વર્ષીય દીપકભાઈ અગ્રાવતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો છે. તેમના પુત્ર મોહિતે માતા દક્ષાબેન અને તેના પ્રેમી શ્યામ શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એસટી વિભાગમાં નોકરી કરતા દીપકભાઈની પત્ની દક્ષાબેન છેલ્લા ચાર વર્ષથી દુબઈમાં કેરટેકર તરીકે કામ કરે છે. મોહિતના જણાવ્યા મુજબ, તેમના પિતાએ માતાનું વોટ્સએપ ચેક કરતા જાણવા મળ્યું કે તેઓ શ્યામ શાહ સાથે સંબંધ ધરાવે છે.
દીપકભાઈએ પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દક્ષાબેન તેમના મામા સાથે દુબઈ પાછા ફરી ગયા હતા. ત્યારબાદ શ્યામ શાહ દીપકભાઈને વારંવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. હનુમાન જયંતીના દિવસે જ્યારે મોહિત મંદિરે દર્શન કરવા ગયો હતો, ત્યારે દીપકભાઈએ ઝેરી
દવા પી લીધી હતી. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુ પહેલા દીપકભાઈએ તેમની માતાના મોબાઈલમાં સંદેશ મોકલ્યો હતો કે, તેઓ બંનેથી કંટાળીને આ પગલું ભરી રહ્યા છે. તેમણે સુસાઈડ નોટ પણ ગાદલા નીચે મૂકી હતી. મોહિતે જણાવ્યું કે, તેમના પિતા છેલ્લા એક વર્ષથી ધમકીઓના કારણે ડિપ્રેશનમાં હતા. પોલીસે દક્ષાબેન અને શ્યામ શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.