રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગિરનાર ઉપર 8 ઈંચ વરસાદથી જૂનાગઢ ડુબડુબા

11:49 AM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કાળવો નદી ગાંડીતૂર, દામોદર કુંડ ઓવરફ્લો થતાં રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા, અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં રાતભર તંત્ર દોડતું રહ્યું

જૂનાગઢને ફરી એક વખત ગઈકાલે મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. માત્ર બે કલાકમાં જ ગિરનાર ઉપર ખાબકેલા 8 ઈંચ અને શહેરી વિસ્તારમાં પડેલા પાંચ ઈંચ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અને અનેક મકાનોમાં પણ પાણી ઘુસી ગયાં હતાં. જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ 74 ઈંચને વટાવી ગયો છે. અને સરેરાશ કરતા 176 ટકા વરસાદ નોંધાયો છે.

આજે જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર બપોર પછી આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું હતું અને સાંજના 6 વાગ્યા પછી માત્ર બે જ કલાકમાં તોફાની બેટિંગ શરુ કરી દેતા ગિરનાર ઉપર દોઢ કલાકમાં આઠ ઈંચ અને જૂનાગઢ શહેરમાં અને વિસાવદરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસાવી દેતા શહેરના રાજમાર્ગો જળબંબાકાર બન્યા હતા. વંથલી, ભેંસાણ, મેંદરડામાં બે ઇંચ વરસ્યો હતો.

શુક્રવારે ગિરનાર ઉપર બપોરે બે કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યા પછી રવિવારે ગિરનાર પહાડ ઉપર ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો, અને સાંજના દોઢ કલાકની અંદર એકધારો આંઠ ઇંચ વરસાદ વરસી જતા ફરીથી ભવનાથ ક્ષેત્રમાં શુક્રવાર જેવી જ સ્થિતિ જોવા મળી હતી. સુપડાધારે વરસાદ આવી પડતા ફરીથી દામોદર કુંડમાં ઘોડાપુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મંદિરના પુલની કમાન ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો.

ભવનાથ ક્ષેત્રના ગિરનાર દરવાજા સુધીના તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા, અને કલેકટરે ભારે વરસાદને પગલે લોકોને બિન જરૂૂરી ભવનાથ અને દામોદર કુંડ તરફ અવર જવર ના કરવી અપીલ કરી હતી, અને વાહન વ્યવહાર બંધ કરીને સોનાપુરી પાસેથી અને દામોદર કુંડ સહિતના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તળેટી વિસ્તાર ફરીથી જળબંબાકાર બન્યું હતું, રવિવારની મજા માણવા આવેલા અસંખ્ય શહેરીજનો અને પ્રવાસીઓ તળેટીમાં વરસાદમાં અટકાવી ગયા હતા.

ગિરનાર ઉપર આંઠ ઇંચ વરસાદથી દામોદર કુંડ ફરીથી ઓવરફલો થયા હતા, જેના પરિણામે અહીના માર્ગો જળબંબાકાર બન્યા હતા, તેમજ એક તરફ રવિવારના કારણે ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ગયેલા તેઓ વરસાદમાં અટવાયા હતા, જેથી અન્ય કોઈ ઘટના ના બને તે માટે દામોદર કુંડ અને સોનાપુરી પાસે વાહન વ્યવહાર અટકાવી દીધો અને પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો.

જૂનાગઢમાં આજે ફરીથી તળેટીમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, અહીં આજે પણ ભારતી આશ્રમ પાસે પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં તણાવા લાગ્યા હતા, એક કાર પાણીમાં ખાડામાં ફસાઈ જતા તેને કાઢવા માટે જેસીબી બોલાવ્યું હતું, અને તે પણ ઊંડા ખાડામાં ફસાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને તળેટીમાં રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા એસડીઆરએફ અને ફાયરની ટીમને તૈનાત કરવામાં આવી છે.
જૂનાગઢ : જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા અને મ્યુ.કમિશ્નર ડો.ઓમ પ્રકાશ મોડી રાતે કાળવાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, કલેકટરે કહ્યું કે, ગિરનાર ઉપર ભારે વરસાદથી કાળવો, સોનરખ અને લોલ નદીમાં પુર આવ્યું હતું, જેથી આગળ જતા વંથલી, કેશોદ, માંગરોળના ઘેડ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, અને વિજાપુર પાસે એક રેસ્ક્યુ માટે એસડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે.

કાળવાના ધસમસતા પાણીના પ્રવાહે અહીંના આલ્ફા સ્કુલ પાસેના વિસ્તારમાં જળબંબાકાર સર્જી દીધો હતો, ત્યારે પાણી લોકોના ઘરમાં ઘૂસે તે પહેલા અહીંના રામલખન એપાર્ટમેન્ટ, ડ્રીમલેન્ડ સોસાયટી પાસે આવેલી એક દીવાલ ધરાશાયી થવાથી તે પાણી સીધું કાળવામાં ભળી ગયું હતું અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags :
Girnargujaratgujarat newsJunagadhMonsoonrain fall
Advertisement
Next Article
Advertisement