જૂનાગઢની સિવિલમાં ડોક્ટર ઉપર હુમલો, વીજળિક હડતાળ
દર્દીઓના પરિવારજનોએ હુમલો કરતાં તબીબોમાં ભારે રોષ: ઇમર્જન્સી સેવા ચાલુ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા છે,દર્દીના પરિવારજનોએ ડોકટર પર હુમલો કરતા તબીબ જગતમાં રોષ ફેલાઇ ગયો હતો અને તમામ ડોકટરોએ ભેગા મળીને હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય લઇ આજે સવારથી વિજળીક હડતાલ પાડી દેતા દર્દીઓની કફોડી હાલત થઇ ગઇ હતી.હડતાલ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, જે પરિવારે હુમલો કર્યો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. આ હુમલામાં ડોકટર અને બે નર્સને ઈજા પહોંચી છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા દર્દીને સારવાર હેઠળ ખસેડયો હતો પરંતુ તે દરમિયાન તેનુ મોત થતા પરિવારજનોમાં રોશ ફેલાયો હતો, દર્દીના સગાઓનો આક્ષેપ છે કે ડોકટરની બેદરકારીથી આ મોત નિપજયું છે અને ડોકટરે સારવાર ના કરતા દર્દીનું મોત થયુ હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે અને ડોકટર પર હુમલો કર્યો છે,સમગ્ર ઘટનામાં ડોકટર અને નર્સ પર હુમલો કરતા તેમને પણ તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનામાં મામલો ગંભીર થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે,દર્દીના પરિવારજનો કે જેણે ડોકટર પર હુમલો કર્યો છે,તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે, સાથે સાથે પોલીસનું પણ કહેવું છે કે, સમગ્ર ઘટનામાં તપાસ ચાલુ છે જે પણ કસૂરવારો હશે તેની સામે કડક પગલા ભરવામાં આવશે,આ રીતે હુમલો કરવો તે યોગ્ય નથી.
સમગ્ર ઘટનામાં ડોકટરો હડતાળ પર છે પણ કોઈ ઈમરજન્સી કેસ આવે તો તેની સારવાર ચાલુ રખાઈ છે,હાલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આ મામલે કઈ કહેવા માટે તૈયાર નથી,તો ડોકટરો તેમની માંગ પર અડગ છે,ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં આવી ઘટના બનતી હોય છે,જેમાં દર્દીના સગા દ્રારા ડોકટરો પર હુમલા કરવામાં આવે છે ત્યારે ડોકટરો પાસે હડતાળ સિવાય બીજુ શસ્ત્ર નથી હોતુ.