જૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોત
કેશોદથી 3 કિલોમીટર દુર નેશનલ હાઇવે પર ડબલ સવારીમાં જૂનાગઢ તરફ જઈ રહેલી બાઈક રસ્તાં પર ઉભેલાં ઘણખુંટ સાથે અથડાતાં યુવકનું મૃત્યુ નિપજયું હતું. પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
કેશોદમાં કપડાના વ્યવસાય સાથે સંકળાયેલાં 25 વર્ષીય યુવક અશ્વિનભાઈ કિશોરભાઈ કરમટા અને તેનો મિત્ર સુનિલભાઈ રાજુભાઈ ચાવડ બુધવારની આથમતી સાંજે ડબલ સવારીમાં જીજે 11 એએચ 9551 નંબરના બાઈક પર કાપડની ખરીદી કરવા જૂનાગઢ જવા નિકળ્યાં હતાં.હજુ તો તેઓ માર્કેટયાર્ડથી 100 મીટર દૂર પહોંચ્યાં હશે ત્યાં રસ્તાં ઉપર ઉભેલ ઘણખૂંટ સાથે બાઈક અથડાઇ હતી જેમાં બંને યુવકો રોડ પર પટકાયાં હતાં. જેમાં અશ્વિનભાઈ કરમટાને વધુ ઇજા પહોંચતાં તેને કેશોદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મૃતક યુવકને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.અકસ્માતની ઘટનાની જાણ થતાં મૃતક યુવકના મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં જયાં તમામની ચહેરા ઉપર ગમગીની જોવા મળી હતી. અકસ્માતે યુવકના મોતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.