સલાયા પાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના જુલેખાબેન ભાયા અને ઉપપ્રમુખ તરીકે સાલેમામદ ભગાડ ચૂંટાયા
સલાયા નગર પાલિકાની પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ નગર પાલિકા સભાખંડમાં બપોરે 3.30 કલાકે પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના 15 સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના 12 સભ્યો હાજર રહ્યા હતા. દરેકની ઓળખ કરી અને નિયમોનુસાર ચૂંટણી પ્રકિયા સભાખંડમાં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકે મહિલા અનામત હોઈ જુલેખાબેન અબ્બાસ ભાયાનું નામ અપાયું હતું. તેમજ ઉપપ્રમુખ તરીકે સાલેમામદ જુસબ ભગાડનુ નામ અપાયું હતું. જેમાં કોંગ્રેસના તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું. જેથી બંનેની નિમણૂક થઈ હતી. જુલેખાબેન અબ્બાસ ભાયા બીજીવાર પ્રમુખ તરીકે સેવા આપશે. આ અગાઉ પણ એક ટર્મ સુધી જુલેખાબેન પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ છે.
અને ઉપપ્રમુખ બનેલ સાલેમામદ જુસબ ભગાડ જે કોંગ્રેસમાંથી આ અગાઉ પણ બે વાર નગરપાલિકાની ચૂંટણી જીત્યા છે.આ ત્રીજીવાર ચૂંટાઈ આવતા એમને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસે વ્હીપ આપ્યું હતું. આમ નગર પાલિકામાં ફરી કોંગ્રેસનું શાસન આવ્યું છે. આપના ફક્ત 12 જ સભ્યો હોઈ બહુમતી ન હોઈ પાલિકા કોંગ્રેસના હાથમાં ગઈ છે. કોંગ્રેસના તમામ સભ્યો ચૂંટણી પ્રક્રિયા બાદ તુરંત નગર પાલિકા કચેરીએ જઈ અને કામગીરીનો વિધિસર પ્રારંભ કરશે. તેમજ તમામ સભ્યોએ એવી ખાતરી આપી હતી કે સલાયાના લોકોના તમામ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરશું અને સલાયાના લોકોએ રાખેલ વિશ્વાસ જીતશું એવું જણાવ્યુ છે.આ ચૂંટણી પ્રક્રિયા અગાઉ સલાયામાં લોકમુખે ઘણીબધી અટકળો લાગી રહી હતી કે આમ આદમી પાર્ટી દ્વારા દરવાજા પાછળ કોંગ્રેસના એક બે સભ્યો સાથે વાતચીત થઈ રહી છે અને જે આપને સમર્થન આપશે ! જે તમામ અટકળોનો અંત આવ્યો હતો. આ તમામ વાતો અફવા સાબિત થઈ હતી.અને કોંગ્રેસના તમામ સભ્યોએ ઉત્સાહ સાથે કોંગ્રેસના ઉમેદવારોને ટેકો આપ્યો હતો. અને સત્તા કોંગ્રેસે જાળવી રાખી હતી.