ધોરાજીની સરદાર ડેરીમાં ભેળસેળની શંકાએ એલસીબી અને ફૂડ શાખાનો સંયુકત દરોડો
ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સરદરા ડેરીમાં ડેરીના સંચાલકો દ્વારા દૂધ, દહી અને છાશમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ફુડ શાખાએ સંયુકત દરોડો પાડી નમુના લીધા હતાં. જો આ નમુનામાં ભેળસેળ સામે આવશે તો પોલીસ આગામી દિવસોમાં ડેરી સંચાલકો સામે ગુનો નોંધશે.
મળતી વિગતો મુજબ, ધોરાજીના કુંભારવાડામાં આવેલ સરદાર ડેરીમાં વહેચાતા દૂધ, દહીં અને છાશમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે રાજકોટનાં ફુડ અને સેફટી વિભાગનાં અધિકારીઓને સાથે રાખી ડેરીમાં તપાસ કરી દૂધ, દહી અને છાશના સેમ્પલ લીધા હતાં અને તેને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.
કુંભારવાડાથી ભુખી ચોકડી તરફ જતાં રોડ પર બાલધા નિવાસ નામના મકાનમાં ચાલતી સરદાર ડેરીના સંચાલક અલ્પેશ રમણીકભાઈ વાગડીયા, સંજય મનસુખભાઈ રાખોલીયા અને સુરેશ ગોવિંદભાઈ ટોપીયા આ ડેરી ચલાવે છે ડેરીમાં વહેચાતા દૂધ, દહી અને છાશમાં સંચાલકો દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ હોવાનું પુરવાર થશે તો આ મામલે પોલીસ ગુનો નોંધી શકે છે. એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ તેમજ સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બડકોદીયા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા અને હરેશભાઈ પરમારે કામગીરી કરી હતી.