ભાજપ દ્વારા 13મીએ ખાસ સદસ્યતા જોડો અભિયાન
આંકડો મોટો કરવા ગમે તેવા રસ્તા નહીં અપનાવવા પાટીલની ટકોર
ગુજરાતમાં ભાજપને સદસ્યતા અભિયાનમાં નબળો પ્રતિસાદ સાંપડતા આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સદસ્યતા અભિયાન સાથે સંકળાયેલા કાર્યકરો તથા ધારાસભ્યો, સાંસદો સહિતના જનપ્રતિનિધિઓને 15 ઓક્ટોબર સુધીમાં મહત્તમ લોકો સુધી પહોંચી સભ્ય નોંધણી કરાવવા ટકોર કરી હતી. બેઠકમાં 13 ઓક્ટોબરના રોજ સદસ્યતા અભિયાન માટે વધુ એક વખત વિશેષ ઝુંબેશ હાથ ધરવાના કાર્યક્રમની જાહેરાત કરાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થયા હતા.
પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સદસ્યતા અભિયાનમાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. આ વખતે મિલ્ડ કોલ કરનારને એક લિન્ક ફોર્મ મોકલીને વિગતો, ફોટો આપવાનો રહે છે એના લીધે જલ્દીથી કોઇ સભ્ય બનવા તૈયાર થતું નથી. જોકે, સપ્ટેમ્બર માસમાં અભિયાનની શરૂૂઆત થઇ ત્યારે સૌએ ઉત્સાહથી ફોટો સેશન કરી સભ્યો બનાવ્યા પછી બધો ભાર કાર્યકરોના શીરે મૂકી દીધો હતો. આને લીધે બે કરોડ સભ્ય બનાવવાના પાટીલના લક્ષ્યાંક સામે માંડ એક કરોડ કરતાં ઓછા સભ્યો હજુ નોંધાયા છે.
જોકે, છ વર્ષ અગાઉ અભિયાન છ મહિના માટે ચાલુ રહ્યું હતું. આ વખતે સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જ ચાલુ રહેવાનું છે.આજની બેઠકમાં પ્રમુખ પાટીલે ટકોર કરતી વખતે કહ્યું કે, સદસ્યતા અભિયાનનો આંકડો એક કરોડ થયો છે એ સારો જ છે, આપણે આંકડો મોટો કરવા માટે ગમે તેવા રસ્તા અપનાવીએ એ પણ ન થવું જોઇએ. પઆંકડો મોટો કરવા કરતાં દરેક કાર્યકર પોતાની સક્રિયતા વધારે, જનપ્રતિનિધિ, આગેવાનોએ લોકો વચ્ચે જવું જોઇએ અને વધુને વધુ લોકોને મળી પક્ષમાં જોડવા જોઇએ.
આજની બેઠકમાં પાટીલે સદસ્યતા અભિાયાનમાં સારું પર્ફોમન્સ કરનાર પાંચ અને નબળું પર્ફોમન્સ કરનાર પાંચ વિધાનસભાના નામો જાહેર કરી સારું પર્ફોમન્સ કરનારા પાસેથી સૌએ વિગતો લઇને કેવી રીતે પોતે પર્ફોમન્સ સુધારી શકે એના અંગે જાણકારી આપી હતી.
પીએમ મોદી, ભાજપ પર જનતાનો અતૂટ વિશ્વાસ: પાટીલ
હરિયાણા અને જમ્મુ કાશમીર રાજ્ય વિધાનસભાના જાહેર થયેલા પરિણામો પર પ્રતિક્રિયા આપતાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આજના પરિણામથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર અને ભારતીય જનતા પાર્ટી પર જનતાનો અતૂટ વિશ્વાસ છે. ભાજપા આજે હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઇ રહી છે. હરિયાણામાં ભાજપા સરકારે વિકાસના કરેલા કામોને કારણે જનતાએ ફરી ભાજપને સત્તા સોંપી છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન સતત નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોએ વડાપ્રધાન મોદી પ્રત્યે વિશ્વાસ દાખવ્યો છે તે બદલ હરિયાણાની જનતાનો હ્રદયથી આભાર માનું છે. હરિયાણાની જીત લોકશાહીની જીત છે. જમ્મુ કાશ્મીરમાં પણ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે આંતકવાદ મુક્ત કાશ્મીરની ઝુંબેશ ચલાવી તેના સારા પરિણામ મળ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જનતા વિકાસના કાર્યો ઝંખે છે.