ગોંડલથી રાજકીય ઇનિંગ શરૂ કરતા જિગીષા પટેલ, ‘આપ’માં એન્ટ્રી
પાર્ટી કહેશે તો ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત
ગોંડલ પંથકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને પડકારનાર જિગીષા પટેલ ગઇકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિધિવત ‘આપ’માં જોડાઇ જતા હવે ગોંડલ ધારાસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાટીદાર મહિલા નેતા જિગીષા પટેલને ઉતારે તેવા સ્પષ્ટ નિર્દેશો મળે છે.
પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીષા પટેલે આજરોજ વિધિવત રીતે રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેમને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. રાજકોટ, અમદાવાદ હાઇ-વે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે જિગીષા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે AAPમાં પ્રવેશ કર્યો છે.
દેશ નાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિતે ગોંડલ આવેલા જીગીશા પટેલે આમ આદમી પાર્ટી માં જોડાઇ મેં ગોંડલ થી રાજકીય ઇનિંગ ની શરુઆત કર્યાનું જણાવી જો પાર્ટી કહેશે તો આગામી વિધાનસભા ની ચુંટણી ગોંડલ થી લડીશ તેવો હુંકાર કર્યો હતો.જીગીશા પટેલ સવારે જેલચોક ખાતે શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર કરી પગપાળા જેતપુર રોડ ત્રિકોણીયા પાસે સરદાર પટેલ ની પ્રતિમા એ પંહોચી પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી.
આ વેળા જીગીશા પટેલે સરદાર સાહેબની વિચારધારા સિંહ નુ કાળજુ રાખો અન્યાય સામે લડો અને ઘરની વાત ઘરમા રાખો જેનાથી પ્રેરાઇ ને હું ગોંડલ થી રાજકીય ઇનિંગ ની શરુઆત કરુછુ તેવુ જણાવ્યું હતુ.
જીગીશા પટેલે કહ્યુ કે આમ આદમી પાર્ટીની વિચારધારા ક્રાંતિકારી છે.હાલ ગુજરાત માં મજબુત વિપક્ષ તરીકે આપ લડત આપી રહીછે.ત્યારે તેનાથી પ્રેરાઇ ને હું આપ માં જોડાઇ છુ.પાર્ટી કહેશે તો ગોંડલ થી વિધાનસભા ની ચુંટણી જરુર લડીશ.ગોંડલ ની જનતાનાં મન માં રહેલો ડર મારે દુર કરવો છે.ગોંડલ મા લાઇટ,પાણી, ગટર સહીત ઘણી સમસ્યાઓ છે.
તેમણે કહ્યુ કે ભાજપ માં વર્ગવિગ્રહ ચાલેછે.ઘણા કાર્યકરો વંડી પર બેઠા છે.આગામી સમય માં લોકોને બધુ સમજાઇ જશે. જીગીશા પટેલે અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નાં ગોંડલ માં મહારેલી યોજવા ઘોષણા કરી હતી.અલબત્ત આજે મહારેલી યોજાઈ ના હતી.માત્ર જુજ સમર્થકો સાથે તેઓ સરદાર ની પ્રતિમા એ પંહોચ્યા હતા.
એટલુ ખરુ કે જીગીશા પટેલે ગોંડલ થી રાજકીય ઇનિંગ શરુ કરવાનુ જણાવી ગોંડલ ધારાસભાની ચુંટણી લડશે તેવો ઇશારો જરુર કર્યો હતો.
