કાર્ગો ફલાઈટ બંધ અને હાઈવે ઉપર લૂંટના ભયથી ઝવેરાતનો ધંધો ઠપ્પ
રાજકોટથી દરરોજ 8 હજારથી 12 હજાર કિલો સોનું-ચાંદી અને ઈમિટેશન ઝવેરાતની હેરફેર
અમદાવાદ એરપોર્ટ સુધી માલ પહોંચાડવા, સિકયુરિટી વાહનનો દરરોજ હજારો રૂપિયાનો ખર્ચ પોસાય તેમ નથી
દેશભરમાં રાજકોટનાં સોના ચાંદીના ઘરેણા અને ઈમીટેશન જવેલરીની ખુબ મોટી ડિમાન્ડ હોય પરંતુ હાલ રાજકોટનો સોના-ચાંદી અને ઈમીટેશન જવેલરીનો ઉદ્યોગ ઠપ્પ પડયો છે તેનું કારણ એવું છે કે રાજકોટમાં જ્યારથી હિરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થયું ત્યારથી કાર્ગો પરિવહનની સુવિધા બંધ થતાં રાજકોટનાં જવેરાતના ધંધાને ગ્રહણ લાગ્યું છે અને રાજકોટનો જવેરાત ઉદ્યોગ ઠપ્પ પડી ગયો છે. રાજકોટમાં એર કાર્ગો સુવિધા બંધ થઈ છે અને બીજી તરફ હાઈ-વે ઉપર સોના-ચાંદીના અને ઈમીટેશનના જવેરાતની લુંટની ઘટનાઓ વધતાં હવે રાજકોટનાં વેપારીઓ માટે ધંધામાં મંદીના દિવસો આવી ગયા છે અને તેની અસર જવેરાત ઉદ્યોગ ઉપર પડી છે.
રાજકોટનાં જુના એરપોર્ટ ખાતેથી દરરોજ રાજકોટથી સોના-ચાંદી અને ઈમીટેશનની 8 થી 12 હજાર કિલો માલ દેશભરમાં અને વિદેશમાં મોકલવામાં આવતો હતો પરંતુ હાલ નવા એરપોર્ટ ખાતે કાર્ગોની કોઈ સુવિધા નહીં હોવાથી હાઈવે માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે માલ પહોંચાડવા સિકયોરિટી અને વાહનોનો દરરોજનો 70 થી 80 હજારનો ખર્ચ વેપારીઓને પરવડે તેમ નથી આથી હવે વેપારીઓએ માલ અન્ય રાજ્યો અને વિદેશમાં મોકલવાનું ટાળી રહ્યાં છે. રાજકોટના સોના-ચાંદીના અને ઈમીટેશનના વેપારીઓ જ્યારે પોતાનો માલ હાઈવે માર્ગે અમદાવાદ એરપોર્ટ પર મોકલે છે તેમને ભાગ્યે જ ઉંઘ આવે છે. કારણ કે હાઈવે ઉપર સતત વધી રહેલ લુંટની ઘટનાએ વેપારીઓની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સાયલા નજીક પોલીસનો સ્વાગ રચી આવેલી ટોળકીએ 1700 કિલો ઘરેણાની લુંટ ચલાવી હતી ત્યારથી રાજકોટના જવેરીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટનો ઝવેરી ઉદ્યોગ વિશ્ર્વભરમાં પ્રસિધ્ધ છે ત્યારે રાજકોટના ઘરેણાને અન્ય રાજ્યો અને વિદેશમાં પહોંચાડવા માટે હાલ રોડ માર્ગે જે માલનું પરિવહન કરવામાં આવે છે તેનો ખર્ચ જવેરીઓને પોસાઈ તેમ નથી જેના કારણે ઝવેરીઓએ હવે પોતાનો ધંધો સ્થાનિક લેવલે જ કરી રહ્યાં છે.
બોલીવુડની ટીવી સિરિયલ હોય કે ફીલ્મ હોય તેમાં રાજકોટનાં જવેરાતની ડિમાન્ડ રહે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ચાંદી અને ઈમીટેશન જવેરીના વેપારીઓને પોતાનો માલ ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાં પહોંચાડવા માટે રાજકોટથી 220 કિલોમીટર દૂર અમદાવાદ એરપોર્ટ સુધી રોડ માર્ગે પરિવહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજુ સુધી મુળભુળ કાર્ગોની કામગીરીનો અભાવ છે. જુની એરપોર્ટ કે જ્યાં તમામ જવેલરી ક્ધસાઈટમેન્ટનું પરિવહન એર કાર્ગો મારફતે થતું હતું તે બંધ થઈ ગયું છે અને રાજકોટથી રોડ માર્ગે માલ પરિવહનમાં ખર્ચ ઉપરાંત હાઈ-વે પર લુંટના ભયના કારણે સુરક્ષાના અભાવે રાજકોટનાં અનેક વેપારીઓનો ધંધો હાલ ઠપ્પ થઈ ગયો છે.
રોડ માર્ગે અમદાવાદ એરપોર્ટ સુધી માલ પહોંચાડવા માટે દરેક ટ્રીપ દીઠ આશરે 50 થી 70 હજારનો ખર્ચ થાય છે. કારણ કે દરરોજ સોના ચાંદીના દાગીના અને ઈમીટેશનના માલને લઈને ખાસ વાન હથિયારી સિકયોરિટી ગાર્ડને સાથે રાખીને આ માલનું પરિવહન કરે છે. ચોરી અને લુંટના ભયે વેપારીઓએ પોતાના માલનો વિમો પણ લેવો પડે છે. સુરક્ષા કર્મચારીઓ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 50 થી 70 હજાર જેટલો થતો હોય જેના કારણે હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વેપારીઓ પોતાનો માલ 220 કિલો મીટર દૂર અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલવામાં ભય અનુભવી રહ્યાં છે.
આ મામલે વેપારીઓએ રાજકોટનાં સાંસદો સહિતના જવાબદાર નેતાઓને તેમજ એરપોર્ટ સત્તાવાળાઓને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કાર્ગો સુવિધા ઉપલબ્ધ કરાવવાની અનેક રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જામનગર એરપોર્ટમાં પેસેન્જર ગેઈટનો ઉપયોગ કરીને કાર્ગો સંચાલન થાય તો વેપારીઓને ઘણો ફાયદો થઈ શકે છે. જો આ મામલે હજુ સુધી એરપોર્ટના સત્તાધીશોએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કાર્ગો સેવા કયારે શરૂ થશે ? તે અંગે જાહેરાત કરી નથી.
રાજકોટના નવા એરપોર્ટ ઉપર કાર્ગોનુ પરીવહન અશકય: બોહરા
રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડિરેકટર દિગંત બોહરાએ આ મામલે જણાવ્યું હતું કે રાજકોટનાં હિરાસર એરપોર્ટ ખાતે પેસેન્જર ગેઈટ દ્વારા કાર્ગોનું પરિવહન શકય નથી. દરેક કાર્ગો ક્ધસાઈટમેન્ટ ફલાઈટમાં ચડાવવા માટે ઓછામાં ઓછો ચાર કલાક પૂર્વેનો સમય લાગે છે અને ચાર કલાક પૂર્વે માલ લોડ થવો જોઈએ અને તે સમય દરમિયાન તે ગેઈટ દ્વારા કોઈ મુસાફરોની અવરજવર થવી ન જોઈએ તેવો નિયમ છે. રાજકોટમાં હાલ દરરોજ 11 થી 12 જેટલી ફલાઈટો આવા ગમન કરે છે ત્યારે પેસેન્જર ગેઈટનો કાર્ગો પરિવહન માટેનો ઉપયોગ થઈ શકે તેવી કોઈ શકયતા નથી જેથી નવા એરપોર્ટ પર કાર્ગોનું પરિવહન અશકય છે.