JEE મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર: ટોપ-14માં ગુજરાતનો વિદ્યાર્થી
મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE મેઇન 2025 જાન્યુઆરી સત્રના સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યા હતા. જાન્યુઆરી સત્રમાં કુલ 14 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે JEE મેઈન-2024 જાન્યુઆરી સત્રમાં દેશમાં 23 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ સ્કોર મેળવ્યો હતો. આ વખતે આંધ્રપ્રદેશના એસએમ ગુથીકોંડા નામના વિદ્યાર્થીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
જાન્યુઆરીના સત્રમાં 100 પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રાજસ્થાને ટોચનું સ્થાન મેળવ્યું છે.
શિક્ષણ નિષ્ણાત દેવ શર્માએ જણાવ્યું હતું કે JEE મેઇનના પેપર પેટર્નમાં પ્રશ્નપત્રના ભાગ ઇમાં વિકલ્પો નાબૂદ કરવાની સ્પષ્ટ અસર JEE મેઇન 2025 જાન્યુઆરી સત્રના સ્કોર કાર્ડ પર દેખાય છે.
આ વખતે જાન્યુઆરી સત્રમાં રાજસ્થાનના આયુષ સિંઘલ, રજત ગુપ્તા, સક્ષમ જિંદાલ, અર્ણવ સિંહ, ઓમપ્રકાશ બેહેરા નામના સૌથી વધુ 5 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. જેમાંથી ચાર વિદ્યાર્થીઓ કોટા કોચિંગના છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી એનસીટીના બે વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ સ્કોર મેળવ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાંથી માત્ર એક વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ સ્કોર મેળવ્યો હતો.