જવાહર ચાવડાનો હાઈકોર્ટમાં વલોપાત, જેલમાં પૂરો કા નિર્દોષ છોડો
ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હાઇકોર્ટ સમક્ષ ક્વોશિંગ પિટિશન કરી છે. અરજીમાં દર્શાવાયું છે કે, વર્ષ 2018માં વંથલી ખાતે બનેલી એક પથ્થરમારાની ઘટનામાં પોલીસે તેમની ઉપર નલટકતી તલવારથ રાખી છે. તેમને આરોપી બનાવવાના હોય તો આરોપી બનાવાય, જેથી તેઓ ટ્રાયલ લડી શકે અથવા તેમને છોડી મુકવા માટેનો રિપોર્ટ ભરે. આ રીતે 6 વર્ષોથી મામલો લટકાવી રાખી શકાય નહીં. હાઇકોર્ટના જજ નિરલ મહેતાએ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારનો ઉધડો લેતાં ટકોર કરી હતી કે, તમે બીજા બધાં કેસમાં તાકીદે પગલાં લો છો અને આ કેસમાં તમે નોટિસ પાઠવીને બેસી રહ્યા છો. એક સપ્તાહમાં સમગ્ર મામલે સ્પષ્ટતા કરો. આવી પ્રેશર ટેક્ટીક્સ બંધ કરો. આરોપી બનાવવા હોય તો બનાવો નહીં તો છોડી મુકવાનો રિપોર્ટ ભરો, આવી રીતે કેસ દબાવી ના રાખો.
હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે પોલીસે તપાસ દરમિયાન અરજદારને ભાગેડૂ કે ફરાર દર્શાવ્યા છે, પરંતુ શું તેઓ એ વિસ્તારની જાણિતી વ્યક્તિ નથી? તમે એમને બોલાવવા કે પકડવા માટે શું કર્યું? સરકાર તરફથી એડવોકેટે કહ્યું હતું કે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. કોર્ટે વધુ ગંભીર નોંધ લેતાં ટકોર કરી હતી કે, તેઓ હાજર ન થયા તો શું પોલીસ ચુપચાપ બેસી રહી હતી! તમે દરેક કેસમાં આવી રીતે નોટિસ પાઠવીને બેસી રહો છો? પોલીસ પર હૂમલો થયો હોય એવા ગંભીર ગુનામાં તમે આવી રીતે કાર્યવાહી કરો છો? શું તમે આરોપીને હાજર થવા માટે આવી રીતે નોટિસ પાઠવીને બેસી રહો છો અને તેમને પકડતાં નથી! એક સપ્તાહમાં જવાબ નહીં આપો તો ગૃહવિભાગના સચિવને બોલાવામાં આવશે.
એક કેસમાં અરજદારને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેઓ ચૂંટણી લડ્યા હતા અને જીતીને મંત્રી પણ બન્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવી નહોતી. અન્ય આરોપીઓ સામે ચાર્જશિટ ફાઇલ કરવામાં આવી હતી અને અરજદારને ફરાર દર્શાવવામાં આવ્યા હતા. અરજદાર જે તે સમયે ધારાસભ્ય હતા અને 40 અન્ય અરજદારોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ચાર્જશિટ અરજદાર વિરૂૂદ્ધ નહોતી. પરંતુ એમાં બે પ્રકારની વ્યક્તિ દર્શાવવામાં આવી હતી. એક કે, જેમને ટ્રાયલ માટે મોકલવામાં આવ્યા હતા અને બીજા કે, જેમને ફરાર અથવા તો ભાગેડૂ દર્શાવવામાં આવ્યા હતા. જેમાં અરજદારને ફરાર દર્શાવવામાં આવ્યા હતા. જેમની ધરપકડ થઇ તેમની સામે ટ્રાયલ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે અમુક મુદ્દા ઊભા થયેલા છે અને આ અરજદારને સંબંધિત ગુનામાં હેરાન કરવામાં આવી શકે એવી ભીતિ છે. આ સમગ્ર મામલે એ મુદ્દો છે કે, તપાસ અધિકારી એ સ્પષ્ટ કરી આપે કે, અરજદાર આરોપી છે કે નહીં.
હાઇકોર્ટ સમક્ષ રજૂઆત દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે, આ ઘટના એવી હતી કે વંથલી વિસ્તારમાં ઓઝત નામની નદી આવેલી છે અને એમાં માથાભારે તત્ત્વો ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરે છે. રેતીના ખનન માટે એક ઓપરેટરને લીઝ પણ આપવામાં આવી હતી. તેથી તેની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે તેઓ હાઇવે બ્લોક કરી રહ્યા હોવાથી ફરિયાદી પોલીસ તરફથી અમને કોલ કરીને બોલાવ્યા હતા. અરજદાર ભીડને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા. આ ઘટનામાં પથ્થરમારો થયો હતો અને સુરક્ષાના કારણો સર પોલીસે અરજદારને પોલીસ વાહનમાં બેસાડ્યા હતા.
તેથી ભીડને એવું લાગ્યું કે, અમારી ધરપકડ થઇ હતી અને તેથી મુશ્કેલી વધી હતી અને પથ્થરમારો વધ્યો હતો. જેના પગલે બે કે ત્રણ પોલીસ ઇજાગ્રસ્ત થયા હતા. તેથી આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં તપાસ અધિકારીએ જ અરજદારને બોલાવ્યા હતા અને એ વખતે અરજદાર વિરોધ પક્ષમાં હતા. તેથી આ મામલે પોલીસ સ્પષ્ટતા કરી આપે કે, અરજદાર આરોપી હોય તો ટ્રાયલમાં ભાગ લઇ શેક અને ના હોય તો નિશ્ચિંત થઇ જાય.