ડેન્ગ્યુ બાદ કમળાનો ઉપાડો, વાવડીમાં પાનના વેપારીનું મોત
દિવાળીએ દાખલ કર્યા બાદ પટેલ યુવકે દમ તોડયો
રાજયમાં દિવાળી બાદ રોગચાળામાં વધારો થયો છે જેમાં તાવ, શરદી ઉધરસ અને ડેંગ્યુના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી છે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા પણ સુચનાઓ અપાઇ રહી છે ત્યારે છેલ્લા અઠવાડીયામાં ડેંગ્યુથી બે ના મોત નિપજયા હોવાનુ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છેત્યારે હવે રાજકોટ શહેરના વાવડીમાં રહેતા પાનની દુકાનની ધંધાર્થીનુ કમળાની બિમારીથી મોત નિપજતા પરીવારમાં શોક છવાઇ ગયો છે.
મળતી વિગતો મુજબ વાવડીમાં 80 ફુટ રોડ પર આવેલા વૃંદાવન પેલેસમાં રહેતા મૌલિકભાઇ બચુભાઇ મેંદપરા નામના 33 વર્ષના પટેલ યુવનને દિવાળીના તહેવારમાં તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જયા તેઓનુ નિદાન કરવામાં આવતા મૌલિકભાઇને કમળા હોવાનુ જાણવા મળ્યુ હતુ ત્યારબાદ તેમને સારવાર ચાલુ હતી ત્યારે આજે સવારના સમયે દમ તોડી દેતા પરીવારમાં શોક છવાયો હતો.
મૌલિકભાઇ યુનિવર્સિટી રોડ પર પાનની દુકાન ધરાવતા હતા તેમજ પોતે બે ભાઇમાં નાના હતા અને તેમને સંતાનમાં 1 પુત્રી હોવાનુ જાણવા મળી રહયુ છે.આ ઘટનાથી રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે જરૂરી કાગળો કર્યા હતા મૌલિકભાઇ પટેલના મૃત્યુથી પરીવારમાં અરેરાટી મચી ગઇ છે.