બોળચોથે ગૌપૂજન સાથે જન્માષ્ટમી પર્વનો ઉલ્લાસમય પ્રારંભ
અઠવાડિયા સુધી હરવા ફરવા અને મેળામાં મહાલવા લોકો આતુર, ઠેર ઠેર ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો
દિવાળી પછી બીજા નંબરના સૌથી મોટા હિંદુ તહેવાર જન્માષ્ટમીનો આજે બોળચોથીથી પ્રારંભ થયો છે. મહિલાઓએ આજે બોળચોથના દિવસે પરંપરાગત ગૌ પૂજન કર્યું હતું અને પાંચ દિવસનાં જન્માષ્ટમી પર્વના વધામણા કર્યા હતાં.
મેળાના પર્વ તરીકે ઉજવાતા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ચારથી પાંચ દિવસનું વેકેશન પણ ગુરૂવારથી પડનાર છે. સૌરાષ્ટ્રમાં અમુક ગામડાઓથી માંડી નાના મોટા શહેરોમાં ઠેર ઠેર લોકમેળાઓનાં આયોજનો થયા છે. પાંચ દિવસથી માંડી 15 દિવસ સુધીના મેળા યોજાયા છે. આખુ અઠવાડિયુ લોકો હરવા પરવા એ મેળાઓમાં મહાલવા નીકળી પડશે.
આવતીકાલે વિઘ્નહર્તા ગણપતિની સંકટચોથની સાથે ગુજરાતમાં સદીઓથી ગૌમાતાને સમર્પિત બોળ ચોથની ઉજવણી સાથે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના પર્વશ્રુંખલાનો પ્રારંભ થશે. આ સાથે સૌરાષ્ટ્રમાં પરપ્રાંતથી આવેલા લાખો મજુરો તેમજ વિદ્યાર્થીઓ વગેરે વતન જવાની તૈયારીઓ સાથે રવાના થવા લાગ્યા છે જેના પગલે એસ.ટી.બસો અને ટ્રેનમાં ભીડમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો.
છ દિવસની પર્વશ્રુંખલામાં (1) આજે સંકટ ચતુર્થી-બોળ ચોથ (2) તા.13ને બુધવારે નાગપાંચમનું પર્વ (3) તા. 14ના રાંધણછઠના દિવસે ગૃહિણીઓ સદીઓની પરંપરામૂજબ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે અને રાત્રે ચૂલો ઠારશે (5) તા. 15 ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિવસ સાથે શીતળાસાતમ ઉજવાશે જેમાં સંતાનોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાજીના મંદિરોએ ભીડ ઉમટે છે અને ઘરે ઘરે ગૃહિણીઓ આ દિવસે ચૂલો ગરમ કરતા નથી. (6) તા. 16ને શનિવારે જન્માષ્ટમી નિમિત્તે ગામેગામ શોભાયાત્રા સાથે મુખ્ય પર્વ ઉજવાશે અને (7) તા. 17ને રવિવારે નંદ મહોત્સવ સાથે સાતમ આઠમ પર્વશ્રુંખલા પૂરી થશે.
પરંતુ, આ વખતે તા. 18ના શ્રાવણી સોમવાર અને તા. 19ના અજા એકાદશી અને તા. 20ના જૈન પર્યુષણ પ્રારંભ થતો હોય એકંદરે 9 દિવસ સુદી ધર્મોત્સવો રહેશે.
સરકારી કચેરીઓમાં સત્તાવાર રજા તો તા.15, 16, 17 ત્રણ દિવસની છે પરંતુ, રજાભોગી કર્મચારીઓ આગળ પાછળની સી.એલ.મુકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેળાની મોજ માણવામાં, હરવા ફરવામાં ઠેરઠેર ભંગાર રસ્તા અને અસહ્ય ભીડ, ટ્રાફિક જામ અને સંભવત: વરસાદ વિઘ્નરૂૂપ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાતમ આઠમમાં મુશળધાર વરસાદથી મેળા સહિત કાર્યક્રમો રદ થયા હતા.