લાલપરીમાં પુત્રએ માર મારતાં જનેતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતાં શાકભાજીના ધંધાર્થી મહિલાને પુત્રએ માર માર્યો જેથી જનેતાને માઠુ લાગતાં ફીનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લાલપરી વિસ્તારમાં રહેતાં શાકભાજીના ધંધાર્થી શિલાબેન વિજયભાઈ ગોરાસરા (ઉ.40) બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે તેના પુત્ર અશ્ર્વિને ઝઘડો કરી માર માર્યો હતો. જેથી શિલાબેનને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ ઉપરાંત જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. જેમાં મોરબી રોડ પર સુર્યમુખી હનુમાન મંદિર પાસે રહેતી ડિમ્પલબેન સંજયભાઈ રીબડીયા (ઉ.25)એ ફિનાઈલ, જંગલેશ્ર્વરમાં રહેતી રૂકશાનાબેન હુસેનભાઈ પીલુડીયા (ઉ.45)એ ફીનાઈલ, 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં ધવલ રાજેશભાઈ જાદવ (ઉ.28)એ ફિનાઈલ અને કેશોદમાં રહેતાં વિપુલ ભરતભાઈ રાઠોડ (ઉ.23)એ મુંજકા પોલીસ સ્ટેશન ખાતે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.