જામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદ
જામનગરના રાજવી જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. જામસાહેબની તબિયત નાદુરસ્ત અને થોડી ચિંતાજનક બનતા આગામી 5 દિવસો માટેની તમામ મુલાકાતો રદ કરવામાં આવી છે અને ભવિષ્યની મુલાકાતો માટે પણ નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. શ્રી હજૂર હાઉસહોલ્ડ કમ્પટ્રોલર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા 3 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, જામસાહેબની તબિયત હાલમાં થોડી ચિંતાજનક છે. આ સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને, આજની તેમજ આગામી 5 દિવસ સુધીની તમામ નિર્ધારિત મુલાકાતો રદ કરવામાં આવી છે.
જામસાહેબે આ અગવડતા બદલ સૌને ક્ષમા કરવા અને પરિસ્થિતિને સમજીને સહકાર આપવા વિનંતી કરી છે. જાહેર કરાયેલા પરિપત્રમાં ભવિષ્યની મુલાકાતો માટે પણ નવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ 5 દિવસો પછી જામસાહેબ સાથેની મુલાકાત માત્ર મંગળવારથી શુક્રવાર દરમિયાન જ શક્ય બનશે. મુલાકાત માટેનો સમય નીચે મુજબ રહેશે: સવારે: 10 થી 12 વાગ્યા સુધી અને સાંજે: 4 થી 5 વાગ્યા સુધી.. આ સિવાયના દિવસો કે સમયમાં મુલાકાત આપી શકાશે નહીં, જેની તમામ લાગતા-વળગતાઓએ નોંધ લેવા જણાવાયું છે.