જામનગર પોલીસ દ્વારા રેનબસેરા, હોટલ ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ
જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે, તેના ભાગરૂૂપે શહેર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને અલગ અલગ વિસ્તારોમાં કડક ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથો સાથ ટ્રાફિક ઝુંબેશ સહિતની કાર્યવાહી પણ ચાલી રહી છે.
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે શહેરમાં અનેક સ્થળે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને ટ્રાફિક નિયમન નો ભંગ કરનારા અથવા તો રોડ રસ્તા પર દબાણ કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે પોલીસની જુદી જુદી ટીમો દ્વારા શહેરના રેનબશેરા તથા હોટલ- ગેસ્ટ હાઉસ વગેરેમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગર નજીક બેડેશ્વર પાસે આવેલા મહાનગરપાલિકા સંચાલિત રેનબસેરામાં તેમજ હાપા વિસ્તારમાં આવેલા રેન બસેરામાં આશ્રિત બનેલા લોકો ની પૂછપરછ કરવામાં આવી હતી, અને તે તમામ સ્થળે બારીકાઈ થી નિરીક્ષણ કરાયું હતું. જ્યારે શહેરની કેટલીક હોટલ-ગેસ્ટ હાઉસ-લોજ વગેરે સ્થળો પર પણ ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે કશું વાંધાજનક મળ્યું નથી.