જામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામું
પક્ષની વિચારધારાને અવગણી વ્યકિતગત વિચારને વધુ મહત્તવ અપાતુ હોવાનો આક્ષેપ
જામનગરના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે આજે પક્ષના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું છે. પક્ષ માં સતત વ્યક્તિગત લોકોના વિચારને મહત્ત્વ આપવામાં આવતું હોવાથી તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે તેમ જણાવાયું છે.
જામનગરમાં કોંગ્રેસ પક્ષને વધુ એક ઝટકો 5ડ્યો છે. એક તરફ મહાનગરપાલિકાના કોર્પોરેટરો માટે ની સામાન્ય ચૂંટણી ઓ નજીક ના સમયમાં યોજનાર છે, ત્યારે જ વોર્ડ નંબર 1રના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી.એ આજે પક્ષ માંથી રાજીનામું ધરી દેતા ચર્ચા જાગી છે.
તેમણે કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ દિગુભા જાડેજાને પાઠવેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ર0 વર્ષથી કોંગ્રેસ પક્ષ સામે વફાદારીપૂર્વક જોડાયેલા છે, પરંતુ હાલના સમયમાં કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈઓ, હુસ્સાતુસ્સી, તેમજ જી-હજુરીનું મહત્ત્વ વધતું જાય છે, અને પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
જામનગર શહેર કોંગ્રેસ માં વ્યક્તિગત સ્વાર્થને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પક્ષમાં રહી કાર્ય કરવું શક્ય નથી. આથી પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપવાની ફરજ પડી છે.
ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 1ર માંથી તમામ ચાર કોર્પોરેટરો કોંગ્રેસ પક્ષ ના ચૂંટાયા હતાં. તેમાંથી થોડા સમય પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અસ્લમ ખીલજી અને ફેમીદાબેન હાજી રીઝવાન ને પક્ષ માંથી સસ્પેન્ડ કરાયા હતાં, જો કે આ પછી બન્ને એ પક્ષ માંથી રાજીનામું ધરી દીધું હતું, જ્યારે હવે કોંગ્રેસના વધુ એક કોર્પોરેટરે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે. આમ ચાર માંથી હવે એક જ કોર્પોરેટર પક્ષ માં છે. જો આવી જ સ્થિતિ યથાવત્ રહે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે.
એવી પણ માહિતી મળી રહી છે કે કોંગ્રેસ માંથી બહાર નીકળેલા આ ટીમ આપ માં જોડાઈ શકે છે, જ્યારે આગામી સામાન્ય ચૂંટણી માં આ વોર્ડ માં ભારે રસાકસી રહે તેવી શક્યતા હાલના સંજોગોમાં જોવા મળી રહ્યું છે.