BAPS સ્વામિનારાયણ મંદિરે જળઝીલણી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો
રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ મંદિરના પરિસરમાં જળઝીલણી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે વિઘ્નહર્તા દેવ ગણપતિજીને જળવિહાર કરાવવા માટે સંતો ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા મંદિરની પરિક્રમા કરી જળકુંડમાં લઇ જવામાં આવ્યા હતા.
આ પર્વે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રાજકોટના સંતો અને હજારો હરિભક્તો દ્વારા આજના આ એકાદશીના ઉત્સવને ખૂબજ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ પૂર્વે ઉજવાયેલા જળઝીલણિ ઉત્સવની ઝાંખી બતાવતા વિડિયોનો લાભ પ્રાપ્ત થયો. ગુરુહરિ મહંતસ્વામી મહારાજના જળઝીલણિ ઉત્સવની ઝાંખી નિહાળતા સર્વે હરિભક્તો આ ઉત્સવમાં તરબોળ થયા હતા. અપૂર્વમુનિ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના સમયમાં ઉજવાતા જળઝીલણી ઉત્સવની સ્મૃતિ કરાવી હતી. સાથે સંગીતજ્ઞ ટીમે આજના ઉત્સવને અનુરૂૂપ નહાં રે સખી નાથવા પધારે મહારાજ રે..., નમારા કેસરભીના નાથ ઉભા ઘેલાજીને તીર... પદોનું ગાન કર્યું હતું. કીર્તનગાન સમયે જળકુંડમાં યાંત્રિક નૌકામાં વિહાર કરતા અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન કરી સૌ ભક્તો અભિભૂત થયા હતા.
આ સમગ્ર ઉત્સવમાં પાંચ આરતી દ્વારા ભક્તોએ અક્ષર પુરુષોત્તમ મહારાજને ભક્તિ અર્પણ કરી હતી અને સંતોએ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગણપતિ મહારાજને પંચામૃત સ્નાન કરાવી પૂજન કર્યું હતું. જળઝીલણી ઉત્સવના અંતિમ ચરણમાં જળકુંડમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજી મહારાજનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ હરિભક્તોએ પણ જળકુંડમાં પાણી અર્પણ કરીને ગણપતિ મહારાજને વિદાય આપી હતી.