પાલિતાણા પોલીસ સ્ટેશનમાં જૈન આધેડનો આપઘાત
શેત્રુંજય ડુંગર પર આરતી માટે 11 લાખની બોલી લગાવ્યા બાદ પૈસા નહીં આપતા પોલીસે તપાસ માટે બોલાવ્યા ને ઝેરી દવા પી લીધી
ભાવનગર પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે આવેલા અમદાવાદના આધેડે પોલીસ સ્ટેશનમાં આપઘાત કરી લેતા ભારે દોડધામ મચી ગઇ છે. તપાસ માટે બોલાવાયેલા જૈન આધેડે પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં જઈને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. આધેડે શેત્રુંજય ડુંગર પર આરતી માટે 11 લાખની બોલીની રકમ લગાવી હતી જે રકમ ન ચૂકવતા પાલીતાણા પોલીસમાં તેની સામે અરજી થઈ હોવાથી તપાસના કામે બોલાવાયા હતા.
આઘેડે પોલીસ સ્ટેશનમાં ઝેરી ટિકડા ખાતા તબિયત બગડતાં તેને પાલિતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્ચા હતાં. જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી વિગત અનુસાર, પાલિતાણા ટાઉન પોલિસ સ્ટેશન ખાતે અમદાવાદના રહેવાસી જૈન યોગેશભાઈ દેવચંદભાઈ ડેઢિયા (ઉ.વ. 53)એ અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. યોગેશભાઈ દ્વારા અગાઉ શેત્રુંજય ડુંગર ઉપર આરતીમાં ઘીના ઘડાની બોલી લગાવેલ હોય જે બોલીમાં 11 લાખ જેટલી રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમાં કરાવવાની હતી. પરંતુ તે રકમ જમાં ન કરાવતા પેઢી દ્વારા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ સામે અરજી દાખલ કરી છે. જે અરજીના કામે યોગેશભાઈને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતાં.
આધેડે પાલિતાણા પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં જઈને અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી અને તે ઢળી પડ્યાં હતાં. જ્યાં તેને પ્રથમ સરકારી દવાખાના ખાતે સારવારમાં લઈ જતા ત્યાંથી ડોક્ટર દ્વારા રિફર કરવામાં આવ્યા હતાં. ત્યાંથી પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરતા ગતરાત્રી(27 નવેમ્બર)ના 10.30 વાગ્યે મૃત્યું થયું હતું. જેથી આજે આધેડના મૃતદેહને પીએમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.