લખતરના વણા ગામે જૈન દેરાસરમાં તસ્કરોના ધામા: 400 વર્ષ જૂની મૂર્તિની ચોરી
દેવળીયા ગામે પુજારીના ઘરમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં દેરાસરમાં ચોરી થતા જૈન સમાજમાં ભારે રોષ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામે આવેલા જૈન દેરાસરનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો દ્વારા મૂર્તિ અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો છે. જેમાં વણા ખાતે આવેલા જૈન દેરાસરમાં જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર શાંતિનાથ દાદાની 400 વર્ષ જૂની પંચ ધાતુની પ્રાચીન મૂર્તિ સહિત દાનપેટીમા રહેલા રોકડ રકમની ચોરી થવા પામી છે.
જેને લઇને જૈન સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લખતર તાલુકામાં તસ્કરો ધાર્મિક સ્થળોને ટારગેટ બનાવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. જેમાં લખતરના દેવળીયા ગામે પૂજારીના ઘરમાં મંદિરના આભૂષણો સહિત રોકડ રકમની ચોરીની શાહી હજુ સુકાઇ નથી, ત્યારે કડુ ગામે આવેલા હનુમાનજી મંદિર ખાતે ત્રાંબાની નાની મોટી વસ્તુની ચોરી થયાનું સામે આવ્યું છે.
લખતર તાલુકામાં છ દીવસમાં પાંચ ધાર્મિક સ્થળોમા ચોરી થયાનું સામે આવ્યુ છે, જેને લઈને લખતર તાલુકામા ભાવિ ભક્તોમા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વણા દેરાસર ખાતે શાંતિનાથ દાદાની ચોરી થયેલી મૂર્તિ બહુ મૂલ્યવાન છે. અને જૈન સમાજનાં લોકો આ મૂર્તિ પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે. વણા દેરાસરના ટ્રસ્ટી પ્રકાશભાઇ ધોળકીયાએ વણા જૈન દેરાસરમા થયેલી ચોરીની લખતર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.