જગદીશ વિશ્ર્વકર્મા ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા; પાટિલથી સવાયા સાબિત કરવાનો પડકાર
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખપદે કોણ આવશે એ સસ્પેન્સનો અંતે અંત આવી ગયો અને જગદીશ પંચાલ ઉર્ફે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની ગયા છે. એ સાથે જ ગુજરાત ભાજપમાં પાટિલ યુગ પૂરો થયો છે ભાજપ સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે પ્રમુખની વરણી કરે છે તેથી 2027ના નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જગદીશ પંચાલના નેતૃત્વમાં લડાશે એ સ્પષ્ટ છે પણ એ પહેલાં નજીકના ભવિષ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પંચાલની પહેલી કસોટી થશે. પંચાલ કેવા પ્રદેશ પ્રમુખ સાબિત થાય છે એ તો નિવડયે ખબર પડશે પણ પંચાલની પ્રદેશ પ્રમુખપદે પસંદગી એક હકારાત્મક બાબત છે.
આપણે ત્યાં રાજકારણમાં જ્ઞાતિવાદ એ હદે પ્રબળ બન્યો છે કે, હવે કોઈ પણ હોદ્દા માટે પસંદગી કરવાની આવે ત્યારે જ્ઞાતિનાં સમીકરણો જ ધ્યાનમાં લેવાય છે. જે જ્ઞાતિની મતબેંક મોટી હોય એ જ્ઞાતિના નેતાને જ તક મળે એવો વણલખ્યો નિયમ જ થઈ ગયો છે. તેના કારણે સાવ નાની વસતી ધરાવતી જ્ઞાતિના દમદાર નેતાઓને પણ તક નથી મળતી.
ભાજપે આ નિયમ પાળ્યો નથી એ હકારાત્મક બાબત છે કેમ કે જગદીશ વિશ્વકર્મા કોઈ મોટી મતબેંક ધરાવતી જ્ઞાતિમાંથી નથી આવતા. ગુજરાતમાં માંડ લાખેક મતદારો ધરાવતી પંચાલ જ્ઞાતિના નેતાને ભાજપનું સુકાન સોંપાય એ સારી વાત છે. સૂંઠના ગાંગડે ગાંધી થઈ ગયેલા કહેવાતા રાજકીય વિશ્ર્લેષકો એવી વાતો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતદારોને સાચવવા માટે ભાજપે વિશ્વકર્માની પસંદગી કરી છે.
જગદીશ પંચાલની જ્ઞાતિ ઓબીસીમાં આવે છે તેથી ભલે તેમને ભલે ઓબીસીના ચોકઠામાં ફિટ કરાય પણ એ ઓબીસી નેતા નથી છતાં તે પ્રદેશ પ્રમુખ તો બની ગયા પણ તેમના માટે પડકારો ઓછા નથી અને સૌથી મોટો પડકાર સી. આર. પાટીલે ભાજપને અપાવેલી જંગી સફળતાને જાળવવાનો છે. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને છાકો પાડી દીધો હતો.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભાજપ 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને 149 બેઠકો જીતાડી એ રેકોર્ડ નહોતા તોડી શક્યા. પાટીલે એ પરાક્રમ કરી બતાવ્યું અને કોંગ્રેસ સાવ 17 બેઠકો પર સમેટાઈ ગઈ જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો મળી. ગુજરાતમાં હવે પછી વિધાનસભાની ચૂંટણી સવા બે વરસ પછી થવાની છે ત્યારે પંચાલ માટે પાટીલના આ દેખાવનું પુનરાવર્તન કરવાનો પડકાર પણ હશે અને દબાણ પણ હશે.