For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વામિ.ગુરુકુળ દ્વારા શુક્રવારે પ્રદૂષણ મુક્ત થીમ પર જગન્નાથજીની રથયાત્રા

04:57 PM Jun 25, 2025 IST | Bhumika
સ્વામિ ગુરુકુળ દ્વારા શુક્રવારે પ્રદૂષણ મુક્ત થીમ પર જગન્નાથજીની રથયાત્રા

ફક્ત ઇલેક્ટ્રિક બાઇક, કાર, ટ્રેક્ટર અને સાયકલો રથયાત્રામાં જોડાશે: પર્યાવરણને લગતા ફલોટ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આગામી 27 જુન, શુક્રવારે સાંજે 4 કલાકે રથયાત્રા સ્વામિનારાયણ ગુરુકુલથી પ્રસ્થાન કરશે. આ રથયાત્રાની ખાસિયત એ છે કે આ યાત્રા સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત થીમ દ્વારા આયોજિત કરવામાં આવેલી છે. રથયાત્રાના પાવન પર્વે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 124મી જન્મજયંતી નિમિત્તે દર વર્ષે રથયાત્રાનું આયોજન થાય છે. તેમજ ગુરુકુલ પરિવાર દ્વારા ધર્મજીવન ભાવાંજલિ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.
વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળભદ્રજીને વિશાળ રથમાં વિરાજીત કરી, સંતો દ્વારા રથને ખેંચીને નગરમાં વિચરણ કરશે. આ યાત્રામાં સૌથી આગળ ડીજે રહેશે. 30 ઉપરાંત ઈલેક્ટ્રીક બાઈક સંપૂર્ણ રથયાત્રાનું પાયલોટિંગ કરતા હશે. ત્યારબાદ 30 બાલમંડળના બાળકો એક સમાન ડ્રેસમાં સાયકલ સવારી વડે રથયાત્રામાં જોડાશે. જગન્નાથજી નો મુખ્ય રથ સાથે 20 ઉપરાંત ઈલેક્ટ્રીક કાર જોડાશે.

ત્યારબાદ પદાતી વિદ્યાર્થીઓ તેમજ એક સમાન આત્મીય ડ્રેસમાં હરિભક્તો જોડાશે.આ યાત્રામાં એક ફ્લોટમાં સાંખ્યયોગી બહેનો અને મહિલા દ્વારા મહામંત્ર ગાન સાથે અવિરત પૂજન થશે. બીજા ડીજેના ફ્લોટ બાદ ત્રિરંગા દુપટ્ટા, સાફા સાથે, પંજાબી ડ્રેસ સાથે કિશોરીઓ જોડાશે. ત્યાર બાદ રેડ બાંધણી પહેરેલ યુવતીઓ અને સહજાનંદી સાડીમાં મહિલાઓ જોડાશે. મહિલા વિભાગમાં બેન્ડ પાર્ટી, કિશોરીના દાંડિયા રાસ, મહિલાઓના કરતાલ રાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. વિવિધ રાસ મંડળીઓ હશે જે સમગ્ર રથયાત્રામાં રાસની રમઝટ બોલાવશે. સાથે કિર્તન મંડળીઓ કીર્તનભક્તિની જમાવટ કરશે. ગોવાળિયાના ડ્રેસમાં યુવાનો હિચ રાસ દ્વારા ગોકુળનો માહોલ સર્જશે.

Advertisement

જગન્નાથજીનો મુખ્ય રથ વડીલ સંતો અને હરિભક્તો દ્વારા ખેંચીને પુરા રૂૂટમાં ચલાવવામાં આવશે. બધા જ ફલોટસ માટે ફક્ત ઈલેક્ટ્રીક ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સમગ્ર રથયાત્રામાં પેટ્રોલ, ડીઝલ કે ધુમાડો કરતાં કોઈ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે નહી. આથી આ સમગ્ર રથયાત્રા પ્રદૂષણ મુક્ત પોલ્યુશન ફ્રી થીમ પર આધારિત આયોજિત કરવામાં આવી છે. જેમાં પ્રદૂષણ હટાવો-ધરતી બચાવો, વૃક્ષો વાવો-વરસાદ લાવો, પ્લાસ્ટીક મુક્ત શહેર બનાવીએ, થેલી સદા-પ્લાસ્ટીકબેગને અલવિદા, એક વૃક્ષ હરિયાળા ભવિષ્ય માટે. વગેરે ફલોટસ દ્વારા શહેરની જનતામાં જાગૃતિ ફેલાઈ તેવા ફલોટસ ઈલેક્ટ્રીક ટ્રેક્ટરમાં રજુ કરવામાં આવનાર છે.વિશેષ આકર્ષણમાં બાળકો માટેના કાર્ટુન કેરેક્ટરના ગેટઅપમાં કાર્ટુન બાળકોનું મનોરંજન કરશે.

રથયાત્રાના રુટમાં 15 મુખ્ય ચોકમાં આરતી ના પોઇન્ટ ઊભા કરવામાં આવેલા છે. જ્યાં ભક્તો જગન્નાથજીની આરતી કરી શકશે. યજમાન બહેનો દ્વારા ઠાકોરજીને આરતી અને થાળ ધરાવવામાં આવશે. રુટ દરમ્યાન ઠેક ઠેકાણે પુષ્પ પાંદડીથી રથને ભક્તો દ્વારા વધાવવામાં આવશે અને દર્શનાર્થી ભક્તોને પ્રસાદી વેચવામાં આવશે.પદાતી મહિલા ભક્તો, અને વિદ્યાર્થીઓનો કાફલો પણ રથયાત્રાની પાછળ જોડાશે. આ રથયાત્રામાં આગળ પાછળ સફાઈ વાહનો પણ હશે, જે રથયાત્રા દરમિયાન કોઈપણ કચરો સાફ કરી અને રથયાત્રાને પ્રદૂષણ મુક્ત બનાવશે. ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામીના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાપન રવિવારે સાંજે 4 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી કરવામાં આવશે. જેમાં હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ અને મહિલાઓ જોડાવાના છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement