ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
ઇસ્કોન મંદિરનું આયોજન, 32 ફુટ ઉંચા ગગનચુંબી રથમાં ભગવાન નગરદર્શને નીકળશે
ભાવનગર લીલા સર્કલ સીદસર રોડ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા કાલે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ભારતની બહાર પ્રથમ ઇસ્કોન રથયાત્રા 1967 ના ઉનાળામાં સાન ફ્રાન્સિસ્કોમાં શ્રીલ પ્રભુપાદના નેતૃત્વમાં યોજાઈ હતી. આ ઘટનાએ ઓડિશાના જગન્નાથ પુરીથી ઉદ્ભવતા આ ઉત્સવની વૈશ્વિક ઉજવણીની શરૂૂઆત કરી હતી. આ માટે અને ત્યારબાદની ત્રણ રથયાત્રાઓ માટે રથ બનાવવામાં જયાનંદ દાસે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભાવનગર માં ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ રથયાત્રાના દિવસે શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રાજીની રથયાત્રા નીકળવામાં આવશે. રથયાત્રાની તૈયારી ફુલ જોશથી થઈ રહી છે. એમાં 251 કિલો બુંદીપ્રસાદ અને 251કિલો ચણા પ્રસાદનું વિતરણ થશે. સાથે ફ્રૂટ પ્રસાદ પણ વિતરણ થશે. આ રથયાત્રા માં વિશેષ ઇસ્કોન ના આચાર્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, પરમ પૂજ્ય વૃંદાવનચંદ્ર મહારાજ ની ઉપસ્થિતિ રહેશે. લંડનથી વિશાલ પ્રભુજી. પશ્ચિમ બંગાળ શ્રીધામ માયાપુર થી અનિરુદ્ધ પ્રભુજી. વૃંદાવનથી વ્રજ સુંદર પ્રભુજી. મુંબઈથી રાધિકા કનૈયા પ્રભુજી સુરત અમદાવાદ થી અનેક ભક્તો શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાશે.
ઇસ્કોન મંદિરના અધ્યક્ષ શ્રીમાન વેણુ ગાયકદાસજીએ જણાવ્યું હતું કે જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથજી નો જેવો વિશાળ રથ છે તેઓ ઇસ્કોન મંદિર ભાવનગરમાં પણ બનાવવામાં આવ્યો છે .જેના છ ફુટ ઊંચા પેડા છે. 25 ફૂટ લાંબો અને હાઇડ્રોલિક દ્વારા 32 ફૂટ ઊંચો રથ થઈ શકે છે આવો ગગનચુંબી શ્રી જગન્નાથનો રથ છે. આ રથયાત્રા ઇસ્કોન મંદિર થી પસ્થાન કરી હેલપાર્ક,જ્ઞાન મંજરી સ્કૂલ,સરદાર પટેલ સ્કૂલ,ભગવતી સર્કલ,વિરાણી સર્કલ,લીલા સર્કલ થઈને ઇસ્કોનું મંદિર વિરામ લેશે.