બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોત
સુરતથી બસમાં બેસી રાજુલા આવી રહી હતી
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતી એક યુવતી સુરતથી બસમા બેસી લોઠપુર આવી રહી હતી ત્યારે આસરાણા ચોકડી પાસે બસમાથી ડોકુ બહાર કાઢી ઉલટી કરવા જતા પડી જવાથી તેનુ મોત નિપજયું હતુ.
બસમાથી પડી જતા યુવતીના મોતની આ ઘટના આસરાણા ચોકડી પાસે બની હતી. જાફરાબાદના લોઠપુરમા રહેતી ગૌરીબેન મકવાણા (ઉ.વ.25) નામની યુવતી ગઇકાલે સુરતથી ખાનગી બસમા બેસી રાજુલા આવી રહી હતી. બસ આસરાણા ચોકડી પાસે પહોંચી ત્યારે યુવતીને ઉલટી થતા પહેલા માળના સોફા પરથી બારીમાથી ડોકુ કાઢી ઉલટી કરી રહી હતી ત્યારે નીચે પટકાતા તેનુ મોત નિપજયું હતુ. યુવતીને સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા હરસુરભાઇ લાખણોત્રા, કાનાભાઇ ગોહિલ, કરશનભાઇ ભીલ, જીલુભાઇ બારીયા સહિત આગેવાનો અહી દોડી આવ્યા હતા. ઘટનાને પગલે નાના એવા ગામમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી.