કોઇનો વાંક નથી, મારી જાતે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાત
ગોકુલધામ પાસે આંબેડકરનગરનો બનાવ: ચાર માસ પહેલાં સગાઇ થઇ હતી
ગોકુલધામ પાછળ આંબેડકરનગર-15માં રહેતી સોનલબેન પ્રવિણભાઇ કબીરા (ઉ.વ.22) નામની યુવતિએ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાં આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ યુવતિની ચારેક મહિના પહેલા જ સગાઇ થઇ હતી. કોઇનો વાંક નથી, હું મારી જાતે સ્યુસાઇડ કરું છું એવું તે ચિઠ્ઠીમાં લખતી ગઇ છે.
મળેલી માહિતી મુજબ,આંબેડકરનગરમાં રહેતી સોનલબેન કબીરાને બેભાન હાલતમાં સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ ગળાફાંસો ખાઇ લીધાનું કહેવાતાં તબિબે તુરંત સારવાર ચાલુ કરી હતી. પરંતુ તેણીનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ,તૌફિકભાઇએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમારે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર સોનબલેનના પિતા હયાત નથી. તેણી બે બહેન અને બે ભાઇમાં વચેટ હતી.
તેણીની સગાઇ ચારેક મહિના પહેલા શ્યામનગરના યુવાન સાથે થઇ હતી. ગત સાંજે માતા ગીતાબેન બકાલુ લેવા ગયા હતાં અને બીજુ પણ ઘરે કોઇ નહોતું ત્યારે તેણીએ આ પગલું ભર્યુ હતું. માતા પરત આવી ત્યારે દરવાજો ન ખોલાતાં પડોશીઓને બોલાવી દરવાજો તોડતાં દિકરી લટકતી મળતાં સિવિલમાં ખસેડાઇ હતી પરંતુ જીવ બચ્યો નહોતો. તેણીએ એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં કોઇનો વાંક નથી, હું મારી જાતે સ્યુસાઇડ કરુ છું એવુ લખ્યું છે. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.