હરિપર પાળના આઇટીઆઇના વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જતાં મોત, કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાયું
લોધિકાના હરિપર ગામે રહેતાં અને ખીરસરા આઈટીઆઈમાં અભ્યાસ કરતો ધાર્મિકગીરી અશોકગીરી ગૌસ્વામી (ઉ.વ.17)નું અપહરણ થયાની મેટોડા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ રવિવારે તેનો ઈશ્વરિયા-મુંજકા રોડ પર આવેલા તળાવમાંથી મૃતદેહ મળી આવતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ધાર્મિકગીરી આઈટીઆઈ જવા રવાના થયા બાદ લાપત્તા બની ગયો હતો. જે અંગે તેના વાલીઓએ મેટોડા જીઆઈડીસી પોલીસને જાણ કરતાં નિયમ મુજબ તેના અપહરણનો ગુનો નોંધાયો હતો. પીઆઈ શર્માએ તપાસ શરૂૂ કરતાં જાણવા મળ્યું હતું કે ગઈકાલે આઈટીઆઈમાં વરસાદને કારણે રજા પડી જતાં ધાર્મિકગીરી અન્ય ત્રણ મિત્રો સાથે રાજકોટના અવધના ઢાળ પાસે ફરવા આવ્યો હતો.
જયાંથી ચારેય મિત્રો ક્રાઈસ્ટ કોલેજની સામે આવેલા તળાવમાં પહોંચ્યા હતા. જયાં નાની ટેકરી ઉપરથી નીચે કૂદતા હતા.જે દરમિયાન ધાર્મિકગીરી ડૂબી ગયો હતો. પરિણામે તેના ત્રણેય મિત્રો ગભરાઈ જતાં ભાગી ગયા હતા. આ ત્રણેય મિત્રોએ આપેલી માહિતીના આધારે મેટોડા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ ગાંધીગ્રામ-2 પોલીસના સ્ટાફને લઈને રવિવારે બપોરે સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તપાસ કરતાં આખરે ધાર્મિકગીરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ગાંધીગ્રામ-2 પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરી હતી. તેની સાથેના ત્રણેય મિત્રોની સઘન પૂછપરછ કરતા ત્રણેય મિત્રોએ કબૂલાત આપી હતી કે, ધાર્મિક સહિત ચારેય કોલેજ નજીક તળાવમાં ન્હાવા ગયા હતા. ત્યારે ધાર્મિક ડૂબવા લાગ્યો હતો.
તે જોઇ ડરી ગયેલા ત્રણેય મિત્રો ત્યાથી ધાર્મિકનું બાઇક લઇ નીકળી ગયા હતા. અને અવધના ઢાળીયા પાસે બાઇક રેઢી મૂકી દીધુ હતું. વાલીઓએ ધાર્મિકગીરીના મિત્રો તરફ શંકા વ્યકત કર્યાનું ગાંધીગ્રામ-2 પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.જેની સામે મૈટોડા જીઆઈડીસી પોલીસના સૂત્રોએ અકસ્માતે ડૂબી ગયાની માહિતી બહાર આવ્યાનું જણાવ્યું હતું.ધાર્મિકગીરીને જુડવા ભાઈ છે.જે તેના કરતાં 15 મીનીટ મોટો છે.