વિસાવદરમાં ઇટાલિયા ફાઇટિંગ મોડમાં, નગરપાલિકા કચેરીએ મોરચો કાઢયો
વિસાવદરમાં વોર્ડ નંબર 1ની મહિલાઓએ મૂળભૂત સુવિધાઓના અભાવ સામે આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મહિલાઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની હાજરીમાં નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
વોર્ડની રહેવાસી પુનમબેન કાનાણીએ જણાવ્યું કે, તેમના વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ છે. વારંવાર વીજળી જતી રહે છે. ગટર ઉભરાય છે. કચરાનું કલેક્શન નિયમિત થતું નથી. તેમણે વધુમાં કહ્યું કે ચાર-ચાર દિવસે કચરો એકત્ર કરવા માટે ગાડી આવે છે.
મહિલાઓએ આરોપ મૂક્યો કે રાજકીય પક્ષના આધારે સુવિધાઓ આપવામાં ભેદભાવ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષથી રસ્તાઓ માટે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
મહિલાઓએ વધુમાં જણાવ્યું કે, નગરપાલિકા વેરો ઉઘરાવવામાં તત્પર રહે છે. પરંતુ નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મહિલાઓની રજૂઆતને સમર્થન આપ્યું. નગરપાલિકાના ચીફ ઓફિસરે મહિલાઓની રજૂઆત સાંભળી. તેમણે તમામ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી. ત્યારબાદ મહિલાઓ શાંતિપૂર્વક પરત ફર્યા.