ધમસાણિયા અને સદ્ગુરુ હોમ સાયન્સ કોલેજ બંધ થઇ તો જોવા જેવી થશે: NSUI
હાલમાં રાજકોટ શહેરના હાર્દ સમાન કાલાવડ રોડ ઉપર કોટેચા ચોક પાસે આવેલી અને 1 એકર જગ્યામાં પથરાયેલી અંદાજિત છેલ્લા ચાર દાયકાથી કાર્યરત એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ તેમજ સદગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સનો બેચલર ડિગ્રીનો કોર્સ બંધ કરવા માટેની અરજી ઉચ્ચ શિક્ષણ કમિશનર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ કુલસચિવને કરવામાં આવી છે. જે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે.
એમ. ટી. ધમસાણીયા કોલેજમાં હાલમાં બી.કોમ. અને બીબીએનો કોર્સ ગ્રાન્ટેડ ધોરણે ચાલે છે તેમજ અહીં હાલમાં 500થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 6 કાયમી પ્રોફેસર છે. અહીં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી કે જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા વિધાર્થી સ્નાતકનો અભ્યાસ કરે છે. જેમની વાર્ષિક રૂૂપિયા 3000 જેટલી નજીવી ફી લઇ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સદગુરુ મહિલા કોલેજમાં હોમ સાયન્સમાં 81 વિધાર્થીનીઓ 3. 1200ની નજીવી વાર્ષિક ફીથી અભ્યાસ કરી રહી છે.
હવે જો આ કોલેજો બંધ કરવામાં આવે તો રાજ્યના 500 થી વધુ વિધાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે કારણ કે તેઓ ખાનગી કોલેજ ની ભારે ભરખમ ફી ભરી શકે તેવી તેમની પરિસ્થિતિ નથી, જેના કારણે તેઓને મજબૂરીમાં અભ્યાસ છોડવો પડે છે. એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે મહત્વ આપી રહી છે ત્યારે બીજી તરફ જો આવી કોલેજો બંધ થતી રહેશે તો ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જોખમાય તેમ છે આથી આપને અમારી માંગણી છે કે એમ. ટી. ધમસાણીયા તેમજ સદગુરુ મહિલા કોલેજ ચાલુ રાખવામાં આવે. યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.