મીડિયા, ક્ધસ્ટ્રક્શન અને ફાઈનાન્સ ગ્રૂપ ઉપર ITના દરોડા
અમદાવાદ અને મુંબઈ સહિત 35 સ્થળોએ તપાસ, આવકવેરા વિભાગના 500 જેટલા અધિકારીઓ દરોડામાં જોડાયા
મીડિયા ઉપરાંત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ ગ્રૂપના હિસાબો અને બેંક લોકરોની તપાસ
ગુજરાતમાં એક મોટા મીડિયા સમુહ ઉપર આજે સવારથી ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાનો દોર શરૂ થતાં મીડિયા આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને કિન્નાખોરીના કારણે મીડિયા સમુહને નિશાન બનાવવામાં આવ્યું હોવાની ચર્ચો જોર પકડ્યુ છે. આ સાથે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ક્ધટ્રક્શન અને બિટકોઈન તથા ફાઈનાન્સ ક્ષેત્રે સંકડાયેલા અન્ય બે જુથો ઉપર પણ દરોડાનો દૌર શરૂ કરવામાં આવતા વ્યાપાર ઉદ્યોગલોબીમાં સન્નાટો પ્રસરી જવા પામેલ છે. ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલી મીડિયા ગ્રુપની ઓફિસ ઉપરાંત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા તેમના ભાગીદારોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે ક્ધટ્રક્શન અને ફાઈનાન્સ સેક્ટર સાથે જોડાયેલા જૂથોના પણ અમદાવાદ અને મુંબઈમાં 35 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. જેમાં ઈન્કમટેક્સ વિભાગના 500 જેટલા અધિકારીઓ જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈન્મકમટેક્સ વિભાગને નવા મળેલા ટાર્ગેટ બાદ સૌપ્રથમ ઈન્કમટેક્સ વિભાગને મિડિયા ગ્રુપને નિશાન બનાવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મીડિયા ગ્રુપના 35 સ્થળોએ આજે સવારથી ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના આવકવેરા વિભાગના 500 જેટલા અધિકારીઓ જોડાયેલા છે. અમદાવાદમાં ફાઈનાન્સ અને બિટકોઈન વ્યવસાય સાથે સંકડાયેલ બરુણ અગ્રવાલ તેમજ જે.પી. ઈસ્કોનગ્રુપને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. બરુણ અગ્રવાલના બિટકોઈન, બોન્ડ અને ટ્રેઝરીના કરોડોના વ્યવહારોની તપાસ સાથે જે.પી. ઈસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક, જતીન ગુપ્તા અને તેના ભાગીદારોને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ઉપરાંત ગુજરાતમાં અમદાવાદમાં ઓફિસ ધરાવતા મીડિયા ગ્રુપના રિયલ એસ્ટેટ બિઝનેશને પણ ઈન્કમટેક્સ વિભાગે ટાર્ગેટ કરી સર્ચ અને સર્વે ઓપરેશન શરૂ કર્યુ છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતના નામાંકીત મીડિયાગ્રુપ ઉપર દરોડા પાડતા મીડિયા જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વખતથી સરકારના કાન આમળતા અને સરકારના વિરોધમાં સમાચારો પ્રસિદ્ધ કરતા આ મીડિયા ગ્રુપ ઉપર કિન્નાખોરીના કારણે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂર અને ચંડોળા તળાવ ડિમોલેશન મુદ્દે સરકાર વિરોધી સમાચારો પ્રસિદ્ધ કરનાર આ નામાંકીત મીડિયા ગ્રુપ સરકારની નજરમાં આવી ગયું હોય અને જેના કારણે આ મીડિયા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં મીડિયાગ્રુપ ઉપર પડેલા દરોડામાં મીડિયા ગ્રુપની ઓફિસ તથા તેના માલીકના ઘર અને તેમના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ભાગીદારોને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં આવકવેરા વિભાગના મોટા અધિકારીઓ સહિત 500 જેટલા સ્ટાફને સાથે રાખી 35થી વધુ સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે.