For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકોના કામ કરવા અમારી ફરજ છે; ઉપકાર નથી કરતા : વાઘાણી

12:55 PM Nov 22, 2025 IST | Bhumika
લોકોના કામ કરવા અમારી ફરજ છે  ઉપકાર નથી કરતા   વાઘાણી

Advertisement

ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે ગુજરાત સરકારના નવનિયુક્ત કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપ સૌએ મારું સન્માન કરીને મારી જવાબદારીઓ વધારી દીધી છે. આ જવાબદારીઓને સારી રીતે વહન કરવાની ભગવાન મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરૂૂં છું. તેમણે કહ્યું કે, લોકો માટે અમે જે પણ કામો કરીએ છીએ, એ અમારી ફરજ છે, એમાં અમે કોઈ ઉપકાર કરતાં નથી. ભાવેણાવાસીઓને જ્યાં પણ જરૂૂર હશે ત્યાં અમે ચોક્કસ આપની સાથે છીએ, ભાવનગર શ્રેષ્ઠ બને તેવા પ્રયાસો સાથે મળીને કરીએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે ત્યારે ભાવનગરમાં શીપ બ્રેકિંગ યાર્ડ, ઈન્ડસ્ટ્રીઝ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર વિકાસ થયો છે. આવનારા સમયમાં ભાવનગરને વધુ શ્રેષ્ઠ બનાવવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, જીતુભાઈના અભિવાદનની સાથોસાથ તેમનાં માતૃશ્રી મંજુલાબા નું પણ સન્માન કરાયું છે, એ નારી શક્તિ માટે ખૂબ મોટો સંદેશ પુરો પાડે છે. દરેક સન્માન એ નવી ચેતના અને ઉર્જા આપતું હોય છે. તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લા માટે જે કંઈ સારુ થઈ શકે તેવાં પ્રયાસો અમે સાથે મળીને કરીએ છીએ, ભાવનગરના વિકાસ માટે એર કનેક્ટિવિટી ખૂબ જ જરૂૂરી છે ત્યારે આપણી અપેક્ષા પ્રમાણે એર કનેક્ટિવિટી ફરી ચાલુ થાય તે માટેના પ્રયાસો અમારા તરફથી સતત ચાલી રહ્યાં છે.

Advertisement

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, આપણી સાથે રહેલો કોઈ વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે ચોક્કસથી એનો આનંદ હોય, આપણે એમનું સન્માન કરીને એમનો હોંસલો વધારીએ છીએ. તેમણે કહ્યું કે, જીતુભાઈ વાઘાણીને મેં સંઘર્ષ કરતાં નજીકથી જોયાં છે, તેમનામાં રહેલી કુનેહ, કુશળતા થકી લોકો સાથે તેઓ સરળતાથી કનેક્ટ થઈ જાય છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓએ શાલ, પુષ્પહાર અને સ્મૃતિચિન્હ આપી મંત્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કર્યું હતું. સૌએ તેમને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી. ભાવનગર શહેર-જિલ્લાના વિવિધ વેપારી એસોસિયેશન, સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ સંગઠનો દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, કમિશનર ડો.એન.કે.મીણા, જિલ્લા કલેકટર ડો.મનીષ કુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષક નિતીશ પાંડેય, અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ, ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓ, સાધુ-સંતો, ભાવનગર શહેર-જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનો તેમજ વિશાળ સંખ્યામાં ભાવેણાના નગરજનોને ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement