સંગીત શીખતા પહેલાં એક સારા માણસ બનવું જરૂરી: પં.સાજન મિશ્રા
સપ્તસંગિતીના બીજા દિવસના કલાકાર બનારસ ઘરાના સાથે જોડાયેલા પદ્મભુષણ પં.સાજન મિશ્રા અને તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા રાજકોટના મહેમાન બન્યા છે. તેઓની મધુર ગાયકીમાં સંકળાયેલી સ્વરોની જટીલ સર્જનાત્મકતા તેમની સમૃધ્ધ તાલીમ અને સુવ્યવસ્થાને પ્રદર્શીત કરે છે. તા. 3 ના સવારે આ દિગ્ગજ કલાકાર રાજકોટ 150 ફુટ રોડ પર સ્થિત ફોર્ચ્યુન હોટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના વ્યસ્ત દિવસમાં તેમણે રાજકોટના યુવા કલાસાધકો સાથે સંવાદ કરવાની તૈયારી આયોજકોને બતાવતા સવારથી રાહ જોઇને બેઠેલા સંગીતના યુવા વિદ્યાર્થીઓ અને આયોજકોમાં ખુશીની લહેર છવાઇ ગઈ હતી.
રાજકોટ અને સૌરાષ્ટ્રના અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓ આ સંવાદ સેશનમાં જોડાયા હતા. પંડીતજીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સંગીત શીખવા કેવા સમર્પણ ભાવ જોઇએ, વિદ્યાર્થીમાં ગુરુભક્તિ કેવી હોવી જોઇએ, સંગીતમાં એકેડમીક પદ્ધતિ તેમજ ગુરુ-શિષ્ય પરંપરા વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. તેમણે સંગીત શીખતા પહેલા એક સારા માણસ બનવા જરુરી એવા વિનમ્રતા, દરેક વ્યક્તિ પ્રત્યે આદરભાવ, વડિલો-ગુરુનું સન્માન જેવા જીવનકલાના બોધ પણ વિદ્યાર્થીઓને આપ્યા હતા.
વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં તેમને સંગીત ક્ષેત્રે આગળ વધવામાં મુંજવતા પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. સાચા સુરની સમજ, સ્વર જ્ઞાન કેવી રીતે કેળવવું, વગેરે બાબતો તેમજ તેમના જીવનના અનુભવો પણ તેમણે વિદ્યાર્થેઓ સમક્ષ વર્ણાવ્યા હતા. તેમણે એ બાબત પર પણ ભાર મુક્યો કે સમાજમાં અને લોકોમાંથી ગુનાહીત વિચારો દુર કરવા માટે તેમને સંગીત તરફ વાળવા જોઇએ, જે સ્વસ્થ મન અને સકારાત્મકતા ઉર્જા આપવામાં મદદરુપ બનશે. તેમણે સંગીતના વિદ્યાર્થીઓને સંગીતના પ્રચાર અને જે લોકોને રસ છે, તેમનામાં શાસ્ત્રીય સંગીતની સમજ કેળવાય તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.