ખાખી વર્દીનો પાવર સામાન્ય નાગરિક પર બતાવવો જોખમી
અમદાવાદની એક પ્રીમિયર ઈન્સ્ટિટ્યૂટ માઈકાના વિદ્યાર્થીની હત્યા સામાન્ય રકઝકમાં રક્ષક કહેવાતા પોલીસ દળના કોન્સ્ટેબલને જ કરી નાખતા સમગ્ર રાજ્યમાં આઘાત સાથે રોષની લાગણી ઊભી થવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી ખાખી પહેર્યાનો પાવર સામાન્ય નાગરિક ઉપર બતાવવાનું ચલણ વધી રહ્યું છે. 2024ના વર્ષમાં જ કસ્ટોડિયલ ડેથ, લાંચ લેવાના છટકામાં પોલીસ કર્મચારીઓની નોંધપાત્ર સંખ્યા દેખાઈ છે. મોટી કિંમતનું ડ્રગ્સ કે દારૂૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો તેવા છાશવારે ગુણગાન ગાતા ગૃહ વિભાગે આ ઘટના બાદ પોલીસની માનસિકતા બદલવાની અને ફરજ પ્રત્યે વધુ જવાબદેય અને સંવેદનશીલ બનાવવાની માગ લોકોમાં ઉઠી છે. વિદ્યાર્થીની હત્યાના બનાવ પછી સોશિયલ મીડિયા સહિત નાગરિકોના મોટા વર્ગમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આવું કૃત્યુ ગુજરાત જેવા શાંતિપૂર્ણ ગણાતા રાજ્યમાં આચરવામાં આવ્યું તે અંગે ભારે ચિંતા વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂૂ અને ડ્રગ્સનો વેપલો વધ્યો છે તેને પકડવા સિવાય તે દૂષણ સદંતર નાબૂદ કરવામાં પોલીસ તંત્ર કે ગૃહ વિભાગને સફળતા મળી નથી.
તો છેલ્લા કેટલાક વર્ષમાં સામાન્ય કોન્સ્ટેબલથી લઇને ઉચ્ચ અધિકારીઓની આવક કરતા વધુ સંપત્તિ હોય તેવા પણ અનેક કિસ્સા છે. ગૃહ વિભાગે સસ્પેન્ડ પોલીસના કિસ્સામાં પણ તે વારંવાર કેવી રીતે ફરીથી નોકરીમાં ગોઠવાઇ જાય છે તેના નિયમોની નવેસરથી સમીક્ષા કરવાની જરૂૂર હોવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે. ગોઠવણ કરીને પાછા નોકરીમાં ગોઠવાઈ જતા આવા તત્ત્વોને તેના કારણે નોકરી જવાનો ડર રહેતો નથી. બોપલના કિસ્સામાં પકડાયેલો હત્યાનો આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ સસ્પેન્ડ થયેલો હતો. જેમ જેમ પોલીસ તંત્રની કાર્યવાહી ઓનલાઇન થતી જાય છે તેમ તેમ છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રનું રોડ પર કે જાહેરમાં દેખાવાનું ચલણ પણ ઓછુ થતું જાય છે. એકસમયે અમદાવાદ જેવા મહાનગરમાં મુખ્ય માર્ગ સિવાય અંદરની ગલીઓમાં પણ રાત્રે પોલીસ પેટ્રોલિંગ થતું હતું તે હવે દિવસે પણ થતું નથી. એસીબીના છટકામાં સપડાતા પોલીસના તોડકાંડના આંકડા એટલા તોતીંગ છે કે જે નહીં પકડાતા હોય તેમની કમાણી કેટલી હશે તે બાબત પણ સામાન્ય જનમાં ચર્ચાનો વિષય બનતી જાય છે.