શિક્ષકો તો ઠીક હવે આરોગ્ય વિભાગના કર્મીઓ વિદેશમાં બેઠા બેઠા પગાર ખાતા હોવાનું ખુલ્યું
બનાસકાંઠા જિલ્લામાં ગેરહાજર અને વિદેશમાં મહાલતા હોવાન શિક્ષકોએ મફતમાં પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો હતો.જે બાદ હવે જિલ્લા પંચાયત હસ્તના આરોગ્ય વિભાગના બે કર્મચારીઓ ચાલુ નોકરીએ વિદેશ જઈને લાંબા સમયથી ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતા હોવાનું સામે આવતા જિલ્લાનો આરોગ્ય વિભાગ દોડતુ થયું છે અને જિલ્લાના 14 હેલ્થ અધિકારીને તાકિદની નોટિસ આપીને ગેરહાજર કર્મચારીઓનો ખુલાસો માગવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં લાલીયાવાડી ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. હવે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં પાણ ગેરહાજર કર્મચારીનો બનાવો પણ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ આરોગ્ય શાખામાં ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી. સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ ચાલુ નોકરીએ ગેરહાજર રહીને વિદેશમાં હોવાનું સામે આવ્યું છે અને હંગામો થતાં પ્રકાશ દેસાઈએ મામલો વધુ ન વણસે તે માટે રાજીનામુ ધર્યું હોવાનું ચર્ચા શરૂૂ થઇ છે. આ ઉપરાંત જિલ્લાના 14 તાલુકા હેલ્થ ઓફિસરને તાકિદની નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે કે લાંબા સમયથી રજા ઉપર ઉતરી ગયેલો કે વિદેશ ગયેલા મેડિકલ ઓફિસર કેટલા છે તેની તપાસ કરવામાં આવે.
આ નોટિસમાં દર્શાવ્યું છે કે, 14 તાલુકા હેલ્થ ઓફિસરોની જવાબદારી નક્કી કરવા સૂચન કર્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટરમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ ગેરકાયદે ગેરહાજર હોય તો તાત્કાલિક વિગતવાર માહિતો મોકલી આપવી અને જેતે અધિકારી, કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર થવા જાણ કરવી.