મુખ્યમંત્રી ના બનાવો તો કોઈ વાંધો નહીં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો જ
ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
નવઘણજીએ પ્રદેશ ભાજપ પ્રમુખ માટેની વરણી ઠાકોર સમાજમાંથી થવી જોઈએ તેવી માંગ કરી છે.
ગુજરાત ભાજપ પ્રદેશના નવા પ્રમુખની વરણીને લઈને નવઘણજી ઠાકોરે કહ્યું કે, ઠાકોર નહીં તો માલધારી, દલિત આદિવાસી અથવા કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ . અમને મુખ્યમંત્રી ન બનાવો, નાયબ મુખ્યમંત્રી ના બનાવો. કોઈ મોટા હોદ્દા ન આપો પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવી જ શકો.. ગુજરાતમાં જો કોઈ સમાજના લોકો સૌથી વધુ વસવાટ કરે છે તો તે ઠાકોર સમાજ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય ઠાકોર સમાજમાંથી પણ છે અને રાતદિવસ તમારા આદેશનું પાલન કરે છે.
નવઘણજી ઠાકોરે ચીમકી પણ ઉચ્ચારતા કહ્યું, આવનાર સમયમાં જો ભારતીય જનતા પાર્ટી અમારી આ માંગ નહીં સ્વીકારે તો ગુજરાતની આ ચાર કોમ આવનાર આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે.