30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડો
અગ્નિકાંડ પછી 10થી 12 પરિપત્રો બહાર પાડ્યા તે રદ કરવા છઇઅની મુખ્યમંત્રી સમક્ષ પોકાર
નોટિંગ માટે ગયેલી ફાઈલ કોઈ અધિકારી દબાવી રાખે નહીં તે માટે સમગ્ર સિસ્ટમ ઓનલાઈન કરવાની માંગ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી રાજકોટ શહેર અને જિલ્લાના બાંધકામ ઉદ્યોગ અનેક જટીલ સર્ક્યુલરોનો ભોગબન્યો હોય તેમ સાવ ઠપ થઈ ગયો છે ત્યારે ઉપરથી સરકાર દ્વારા જંત્રી વધારાનો મુસદો તૈયાર કરાયો છે. આને લઈને રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા બાંધકામ ઉદ્યોગને બચાવવા માટે આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજકોટના બાંધકામ ઉદ્યોગને બચાવવા માટે અગ્નિકાંડ બાદ રાજકોટના ટીપીઓ દ્વારા 6 મહિનાના ટુંકા ગાળામાં બહાર પાડવામાં આવેલ અલગ અલગ 10થી 12 સર્ક્યુલરોને રદ કરી એક એવો સર્ક્યુલર બહાર પાડવાની માંગ કરાઈ છે કે જેનાથી નવા પ્લાન કે, કમ્પ્લીશન 30 દિવસની અંદર મળી જાય.
રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશ ગજેરાએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, આરએમસીમાં છેલ્લાં ઘણાં સમય થી કાયમી ચીફ ફાયર ઓફિસર ની જગ્યા ખાલી છે જેને હિસાબે પ્લાન પાસ કરવા માટે જરૂૂરી પ્રી ફાયર NOCતેમજ કંપલિશન સર્ટિફિકેટ માટે જરૂૂરી અંતિમ ફાયર NOCઆપવામાં આવતા નથી. છેલ્લા છ મહિનામાં ટીપી શાખામાંથી અન્ય શાખામાં અનુભવી કર્મચારીઓની બદલી કરાઈ છે. તેથી પ્લાન પાસ થતાં નથી. જેને લઈને ઝડપથી નિર્ણય કરવામાં આવે આ ઉપરાંત ડ્રાફ્ટ ટીપીમાં ટીપીઓનો અભિપ્રાય એક વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે જે ફાઈનલ ગણીને ટીપી સ્કીમ ઝડપથી ફાઈનલ કરવી. ટીપી ફાઈનલ કરતા પહેલા કબ્જા રોજકામમાં રોડ રિઝર્વેશન વેરે દબાણ મુક્ત હોય તો જ કબ્જા રોજકામ કરી ફાઈનલ કબ્જો લેવામાં આવે છે અને જ્યારે ટીપી ફાઈનલ કરવા માટેનો પ્લાન થોડા સમય પછી મુકવામાં આવે ત્યારે આ પ્લોટનો કબ્જો સરકાર પક્ષે હોવા છતાં દબાણમુક્ત કરવાની જવાબદારી અરજદારની માથે નાખવામાં આવે છે. જેને આ ખોટા આગ્રહને દૂર કરવા માટે કાર્યવાહી કરવી જરૂરી છે. ટીપીમાં અંતિમ ખંડનું ડિમાર્કેશન સત્તામંડળ દ્વારા નિયુક્ત કરેલ એજન્સી પાસે કરાવવાનું હોય છે. પરંતુ આજ દિવસ સુધી એજન્સી નિમણુંક જ કરેલ ન હોય આ અંગેની હાલાકી દૂર કરવી.
રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન માં કે રૂૂડામાં મંજૂરી અર્થે પ્લાન કે કમ્પ્લીશન રજુ કર્યા બાદ મંજૂરી અર્થે અલગ અલગ અધિકારી પાસે જાય છે પરંતુ ક્યાં અધિકારી પાસે આ પ્લાન કે કમ્પ્લીશન Notting માટે ગયેલ છે તેનો કોઈ રેકર્ડ સરકાર પાસે રેહતો નથી. આમ મોનીટરીંગ ન થવાથી પ્લાન કે કમ્પ્લીશન મંજૂરી માટે મુક્યા બાદ મંજુર થાય ત્યાં સુધી ક્યાં અધિકારી પાસે પ્લાન કે કમ્પ્લીશન ની ફાઈલ કેટલો સમય રહી અને મંજુર થવામાં કેટલો સમય લાગ્યો તે જાણી શકાતું નથી. આથી અમારી નમ્ર વિનંતી છે કે આ મોનીટરીંગ ની પ્રક્રિયા ONLINE કરવાથી સરકારને પ્લાન કે કમ્પ્લીશન રજુ થયા બાદ કેટલા સમય માં મંજુર થશે તેની સ્પષ્ટ જાણકારી મળી શકશે.
રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરશન માં કે રૂૂડા વિસ્તાર માં જે રેહણાક ની સાથે વાણીજ્ય ઉપયોગ સાથે ના પ્લાન મંજુર થયેલ છે તેવા પ્લાન માં તેમજ વાણીજ્ય હેતુ માટેના બિલ્ડીંગ કે જેમાં બે થી ચાર માળ સુધી દુકાન અને પાછળ ના ભાગ માં કે ઉપર ના ભાગમાં ઓફીસ નો પ્લાન મંજુર થયેલ હોય તેવા બિલ્ડીંગ સંપૂર્ણ થતા ચાર વર્ષ લાગતા હોય છે. અગાઉ આવા બિલ્ડીંગ માં વાણીજ્ય હેતુ માટે નું પાર્ટ કમ્પ્લીશન નિયમાનુસાર આપી દેવા માં આવતું હતું. હાલમાં આવા મંજુર થયેલ પ્લાનમાં પાર્ટ કમ્પ્લીશન આપવાનું બંધ કરેલ છે. જેને લઈને રાજકોટ માં ઇન્ટરનેશનલ કક્ષા ના શોરૂૂમ આવતા બંધ થય ગયેલ છે. આથી આવા બિલ્ડીંગ ને પાર્ટ કમ્પ્લીશન આપવા અમારી નમ્ર વિનંતી છે.
RMC-RUDA દ્વારા આજે બહાર પાડેલ પરિપત્રનો અમલ પાછલી તારીખથી કેમ?
આરએમસી અને રૂડા દ્વારા બાર પાડવામાં આવતા પરિપત્રોનો અમલ પાછલી તારીખથી કરવામાં આવે છે જે તદન અસંગત છે અને આવા પરિપત્રનો અમલ જે દિવસથી પરિપત્ર બહાર પાડેલ હોય તે દિવસથી કરાવો જોઈએ નોનટીપી એરિયામાં અગાઉ જમીન માલીકે લેઆઉટ પ્લાન જે તે સમયમાં નિયમો મુજબ કપાતના ધોરણો જાળવીને કરાવેલ હોય આવી જમીનમાં જે તે સમયે નિયમોનુસાર કપાત હોવા છતાં હાલના નિયમો પ્રમાણે કપાત કેમ નથી તેવા પ્રશ્ર્નો ઉભા કરી વહીવટી વિસંગતતા વધારવામાં આવે છે. જેને દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
બિલ્ડરોએ ક્યાં જવું?, દિવસે સ્લેબ ભરવા પોલીસ ગાડી શહેરમાં પ્રવેશવા ન દે અને રાત્રે આજુ-બાજુ વાળા રાડો પાડે !
રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર દ્વારા બાંધકામ કામ માટે અતિ આવશ્યક એવા કાચા માલ જેવાકે રેડી મિક્સ કોન્ક્રીટ કે જે કોઈપણ જગ્યાએ સ્લેબ ભરવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે તેને માત્ર રાત્રે જ શહેર માં પ્રવેશ ની છુટ આપવામાં આવેલ છે. પરંતુ સ્લેબ કે જે ભરવામાં ન્યુનતમ 6 થી 7 કલાક થાય તે રાત્રે ભરવો શક્ય નથી તેમજ સ્લેબ ભરતી વખતે ખુબજ અવાજ થાય છે જેને લઈને આજુબાજુ રેહતા લોકો ના વિરોધ ને લીધે સ્લેબ ભરી પણ નથી શકતો. જે બાબતે રાજકોટ પોલીસ કમીશ્નર સાથે વ્યવહારુ ઉકેલ લાવવાની માંગ કરાઈ છે.
25 મી. ઊંચાઈ સુધીના બિલ્ડિંગના પ્લાન મંજૂર કરવાની સત્તા સિટી ઈજનેરને સોંપો
અગાઉ 25 મીટર ની ઉંચાઈ સુધીના બિલ્ડીંગ પ્લાન ની મંજૂરી ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા આપવામાં આવતી. હાલમાં કમીશ્નર સાહેબ દ્વારા કોર્પોરેશન ને ઝોન પ્રમાણે વેહચી દેવામાં આવેલ છે. તેમજ 25 મીટર ની ઉંચાઈ સુધીના બિલ્ડીંગ પ્લાન ની મંજૂરી માટે પ્લાન ને સીટી એન્જીનીયર અને ડેપ્યુટી કમીશ્નર સુધી મોકલવામાં આવે છે. આને લઈને પ્લાન મંજુર કરવાના સમયગાળા માં ખુબજ વધારો થાય છે આથી આપશ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે 25 મીટર ની ઉંચાઈ સુધીના બિલ્ડીંગ પ્લાન મંજુર કરવાની સત્તા સીટી એન્જીનીયર સુધી સીમિત રાખવામાં આવે.