નકલી શાળા પ્રકરણમાં વધુ પાંચ સ્કૂલોની સંડોવણીકુવાડવા રોડ પરની ખાનગી શાળાના દસ્તાવેજો મળ્યા: તપાસમાં નગર પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ ઝૂંકાવ્યું
રાજકોટ તાલુકાના પીપળીયા ગામેથી નકલી શાળા ઝડપાયા બાદ આ પ્રકરણમાં તપાસ કરતા વધુ ત્રણ શાળા અને બે હાઇસ્કુલની સંડોવણી સામે આવી છે અને રાજકોટ શહેરની કુલ 8 શાળા આ કૌભાંડમાં સામેલ હોવાનું શંકાના દાયરામાં આવ્યું છે.
આ અંગે રાજકોટ તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે તપાસ સમીતી દ્વારા નકલી શાળાના સંચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. તેમજ વધારે તપાસ કરતા કુવાડવા રોડ પરથી વધુ ત્રણ ખાનગી શાળાએ રાજકોટ મનપાના કાર્યક્ષેત્રમાં આવે છે તેની સંડોવણી સામે આવી છે. તેમજ બે હાઇસ્કૂલ હાલ આ પાંચ શાળાના પુરાવા અને વિદ્યાર્થીઓની યાદી તેમજ દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
કુવાડવા રોડ પરથી નકલી શાળા પ્રકરણમાં પકડાયેલી વધુ ત્રણ શાળા રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી હોય આ અંગે રાજકોટ મનપાની નગરપ્રાથમિક શાળાની કચેરીના શાસનાધિકારીએ પણ હાલ તપાસમાં ઝંપલાવ્યું છે અને શહેરની હજી કેટલીક શાળાઓની સંડોવણી આ નકલી શાળા પ્રકરણમાં છે તેની તપાસ ચલાવી રહ્યા છે. શહેરની ખાનગી શાળાઓની સંડોવણી ખુલતા સમગ્ર શહેરમાં ચકચાર જાગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કુવાડવા રોડ પર આવેલી અક્ષર, નક્ષત્ર અને રાધેકૃષ્ણ શાળાના લીવીંગ સર્ટીફિકેટ અને પરિણામોની કોપી મળી આવી હતી તેમાં વધુ ત્રણ શાળા અને બે હાઇસ્કુલ નામ ખુલતા કુવાડવા રોડ પરની કુલ 8 શાળા શંકાના દાયરામાં આવી છે અને શહેરમાં હજુ કેટલી શાળાઓ આવી રીતે ધમધમી રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
25 બાળકોને માન્યતા પ્રાપ્ત શાળામાં પ્રવેશ અપાયો
રાજકોટ તાલુકા શિક્ષણ અધિકારી વિમલ ઉદાસે જણાવ્યું હતું કે પીપળીયાની નકલી શાળામાં અભ્યાસ કતા 25 જેટલા બાળકોના ભવિષ્ય ન બગડે તે માટે આજે તેમને નાગલપર, ખીજડીયા, સણોસરા અને પીપળીયાની માન્યતા પ્રાપ્ત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.