ગોંડલમાં મની મ્યુલ બેન્ક એકાઉન્ટ ધારકો સામે તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક અને વેપારી મથક ગોંડલ શહેર તથા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચોંકાવનારી તપાસે ખળભળાટ મચાવ્યો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા "મની મ્યુલ" (Money Mule) બેન્ક એકાઉન્ટ ધરાવતા અનેક શંકાસ્પદ લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, જેના કારણે ગેરકાયદેસર નાણાંની હેરાફેરી (મની લોન્ડરિંગ)ના નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના એક IPS કક્ષાના વરિષ્ઠ અધિકારીને આ સમગ્ર જિલ્લાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ તપાસ ખાસ કરીને ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર કેન્દ્રિત છે, જ્યાં શંકાસ્પદ રીતે નાણાંની લેવડદેવડ થયેલા બેન્ક એકાઉન્ટ્સની યાદી તૈયાર કરવામાં આવી છે. ’મની મ્યુલ’ની ભૂમિકા ભજવનારા લોકોને બોલાવીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
મની મ્યુલ’ એકાઉન્ટ એક એવું બેંક ખાતું છે, જેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં (કાળા નાણાં) ને એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા અથવા નાણાંને "લોન્ડર" કરવા માટે થાય છે. આ પ્રવૃત્તિમાં સામેલ વ્યક્તિને ’મની મ્યુલ’ કહેવામાં આવે છે, જેઓ સામાન્ય રીતે ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં અથવા છેતરપિંડીનો ભોગ બનીને આ ગુનાહિત નેટવર્કનો હિસ્સો બની જાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ નાણાંકીય વ્યવહારોમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) જેમ કે USDT (Tether) નો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. ગુનેગારો ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંને USDT દ્વારા એક બેન્ક ખાતામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજા ખાતામાં ટ્રાન્સફર કરે છે, જેથી નાણાંનો સ્ત્રોત છુપાવી શકાય છે.
સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, આ પ્રકારના ટ્રાન્ઝેક્શનની એક ચોક્કસ પેટર્ન જોવા મળી છે, જે ગંભીર છેતરપિંડી સૂચવે છે જો કોઈ વ્યક્તિના બેન્ક ખાતામાં USDTના માધ્યમથી આશરે રૂૂ.10,000 જેવી રકમ જમા થાય, તો તે વ્યક્તિ તરત જ આ રકમને પોતાના એકાઉન્ટમાંથી ઉપાડી શકે છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે આ ટ્રાન્ઝેક્શનના 24 કલાક પછી, મ્યુલ એકાઉન્ટ ધારકના ખાતામાંથી વધારાના રૂૂ.10,000 કે તેનાથી વધુ રકમ આપોઆપ કપાઈ જાય છે, જે ગેરકાયદેસર નાણાંના ’ક્લિયરિંગ’ માટે થાય છે. આ રીતે, નિર્દોષ વ્યક્તિને નાણાં લોન્ડર કરવાના ગુનામાં ફસાવીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવે છે.
સમગ્ર મામલાની ગંભીરતા જોતા, પોલીસ દ્વારા નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવીને કે થોડા કમિશન માટે પોતાના બેન્ક ખાતાનો ઉપયોગ કોઈને કરવા ન દે. તમારું એકાઉન્ટ મની લોન્ડરિંગ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ શકે છે, જેના પરિણામો સ્વરૂૂપે કાયદાકીય કાર્યવાહી અને જેલવાસ થઈ શકે છે.