For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કાળાં નાણાંની હેરફેર કરતી 200થી વધુ પેઢી ઉપર તપાસ

04:57 PM Jul 19, 2024 IST | Bhumika
રાજકોટમાં કાળાં નાણાંની હેરફેર કરતી 200થી વધુ પેઢી ઉપર તપાસ
Advertisement

રૂા.2.22 કરોડની રોકડ સાથે પકડાયેલા યાર્ડના વેપારીની પૂછપરછમાં મોટા ખુલાસા, કમિશનથી કાળાંધોળાં કરતાં શખ્સો રડારમાં

રાજકોટ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ અંતે 2.22 કરોડની રોકડ સાથે માર્કેટીંગ યાર્ડના વેપારી સહિત બે શખ્સોની ધરપકડ કરી તેમની પુછપરછ કરતાં રાજકોટમાં કમિશનથી કાળા નાણાની હેરફેર કરતી 200 થી વધુ પેઢીઓ સક્રિય હોવાની ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ હવે આર્થિક ગુના નિવારણ શાખાએ આવી પેઢીઓ ઉપર તપાસ કેન્દ્રીત કરી અલગ અલગ નામ હેઠળ કમિશનથી કાળા નાણાના ગોરખ ધંધા કરતાં ઈસમો ઉપર ટૂંક સમયમાં જ તવાઈ બોલાવવાની તૈયારી શરૂ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાએ કબજે કરેલા 2.22 કરોડ બાબતે આવક વેરા વિભાગને જાણ કરી છે. હવે આ મામલે આવકવેરા વિભાગ પણ તપાસ કરશે.

Advertisement

આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ જે.એમ.કૈલા અને પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજા અને તેમની ટીમે બેડી ચોકડી પાસેથી ચેકીંગ દરમિયાન યાર્ડમાં પેઢી ધરાવતા અને ઈસ્કોન હાઈટસ પાસે અક્ષર એવન્યુમાં રહેતા નિલેશ મનસુખભાઈ ભાલોડી અને વાંકાનેરના અગાભી પીપળીયા ગામના જયસુખ સુંદરજીભાઈ ફેફરની ધરપકડ કરી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ નિલેશ ભાલોડિને તેની કાર નં.જીજે.3.એનકે 3502માં રોકડ સાથે ઝડપી લીધા બાદ તેની ઓફિસ 150 ફુટ રોડ પર ‘ટીટેનીયમ એન્ટરપ્રાઈજ’માંથી પણ રોકડ કબજે કરી કુલ રૂા.2.22 કરોડ કબજે કર્યા હતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટીટેનીયમ એન્ટરપ્રાઈઝ અને ફલેવેરીયમ ટ્રેડ નામે ઓફિસ શરૂ કરી ઉપલેટા માર્કેટીંગ યાર્ડની અલગ અલગ દુકાનોમાં ખેતપેશાદની લે વેચનું કામ કરતાં નિલેશે એક લાખના રૂા.550ના કમિશન લેખે કાળા નાણાની હેરફેર કરતો હોવાનું ખુલ્યું હતું જે બાબતે ઈન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

આર્થિક ગુના નિવારણ શાખાની પુછપરછ અને તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમાં રાજકોટમાં કાળા નાણાની હેરફેર અને કમિશનથી બ્લેકમનીની એન્ટ્રીઓ આપતાં 200 થી વધુ પેઢીઓ કાર્યરત છે. જે કમિશન લઈને પોતાના ખાતામાં હવાલા કે અન્ય કોઈ છેતરપીંડીથી આવતાં રૂપિયાને બેંકમાંથી ઉપાડી કમિશનથી તે રોકડા જે તે વ્યક્તિને આપી દેવાનું મોટુ કૌભાંડ ચાલે છે. આ કૌભાંડના મુળ સુધી પહોંચવા હવે આર્થિક ગુના નિવારણ શાખાએ રાજકોટમાં સક્રિય આવી 200 થી વધુ પેઢીઓ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તેમજ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ જે.એમ.કૈલા, પીએસઆઈ સી.બી.જાડેજા સાથે એએસઆઈ આર.કે.જાડેજા, વિરમભાઈ ધગલ, એભલભાઈ બરાલીયા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement