ગીર અભયારણ્યમાં ટિકિટની કાળાબજારીની તપાસ દેશવ્યાપી બની, વધુ ધરપકડ થશે
ગીર સફારી બુકિંગમાં કૃત્રિમ અછત ઊભી કરવાનો મામલો : રાજ્ય બહારના 5 અભયારણ્યોના વાઉચરો તપાસ એજન્સીને મળ્યા
જૂનાગઢના સાસણના સ્થિત ગીર જંગલ સફારી બુકિંગ અને દેવળિયા જીપ્સી સફારી બુકિંગ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર ટિકિટના એડવાન્સ બુકિંગ કરી ટિકિટની કાળાબજારી તથા કૃત્રિમ અછત ઊભી કરતી ટોળકીના 5 સાગરીતોની ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ધરપકડ કરી છે. આ મામલે હવે હવે તપાસ દેશવ્યાપી બની છે. તપાસ એજન્સીએ દેશના પ્રખ્યાત જંગલ સફારીની વેબસાઈટ્સના ડેટા મગાવ્યા છે. ટેકનિકલ ટીમ તમામ ડેટાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સ્ટેટ સાયબર સેલની ટેકનિકલ ટીમ ક્યારે, કેવી રીતે, કેટલી ટિકિટના સ્લોટ કેટલા રૂૂપિયામાં વેચાયા તેની તપાસ કરી રહી છે.
આરોપીઓ ગીર જંગલ સફારી ટિકિટ બુકિંગ માટે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી એડવાન્સમાં બુકિંગ કરી લેતા હતા. ત્યારબાદ ટોળકીના સાગરીતો સિઝનમાં જ્યારે પ્રવાસીઓ ઉમટી પડે ત્યારે ટિકિટની કૃત્રિમ અછત ઊભી કરીને મનફાવે તે પ્રકારે જંગલ સફારીની ટિકિટના ભાવ પ્રવાસીઓ પાસેથી વસૂલતા હતા. આ પ્રકારની અનેક ફરિયાદો ગાંધીનગરના ગૃહ વિભાગ સુધી પહોંચતા તપાસની સૂચના અપાઇ હતી. આ સમગ્ર કૌભાંડની તપાસ ખૂબ જ ટેકનિકલ હોવાથી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાના યુનિટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને કામગીરી સોંપાઈ હતી. તેમણે 2024ના જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીના એડવાન્સ બુકિંગના ડેટાની તપાસ કરાવતા હકીકત ખૂલી કે હજારોની સંખ્યામાં અગાઉથી જ ટિકિટના એડવાન્સ બુકિંગ થયેલા છે. રજા અને તહેવારના દિવસોમાં ટૂર્સ ઓપરેટર મારફતે મોંઘી અને બમણી કિંમતે ટિકિટોનું વેચાણ થયું હતું. આ ટીમે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી છે.
તપાસ ટીમનું માનવું છે દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યોમાં થતી સફારીમાં આ જ પ્રકારે સરકારી વેબસાઈટનો એક્સેસ તથા ડેટા મેળવીને ટિકિટના સ્લોટ બુક કરીને કૃત્રિમ અછત પેદા કરીને પર્યટકો પાસેથી બમણા ભાવ વસૂલીને ટિકિટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે. આ કૌભાંડમાં હજુ પણ વધુ આરોપીઓની સંડોવણી હોવાનું જણાતા ધરપકડનો આંક વધવાની શક્યતા છે.
એજન્સીની કરેલી તપાસમાં ગીર સફારીની પરમીટ 12,000 નંગ, ક્ધફોર્મેશન પેમેન્ટના ઈ-મેઈલ 8650 નંગ, ટિકિટની પીડીએફ ફાઈલની લિંક 10,278 નંગ અને 5 અભયારણ્યોની વાઉચર મળ્યા હતા જેમાં રણથંભોર (રાજસ્થાન), તાડોબા (નાગપુર મહારાષ્ટ્ર), જીમ કોર્બેટ (નૈનિતાલ ઉતરાખંડ), કાઝીરંગા (આસામ), બાંધવગઢ (ઉમરિયા મધ્ય પ્રદેશ)નો સમાવેશ થાય છે.
