મીઠાપુર ટાટા કેમિકલમાં તંત્ર દ્વારા તપાસ
દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ નામની કંપની વર્ષોથી કાર્યરત છે. આ કંપની સોડા, મીઠું અને સિમેન્ટનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારનો ઝેરી કચરો બહાર નીકળતો હોય છે. ઘન અને પ્રવાહી ઝેરી કચરાનો નિકાલ સમુદ્રમાં કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આ પ્રક્રિયાથી મીઠાપુરની આસપાસના ગામો અને સમુદ્ર ઉપરાંત ગ્રામ્ય કક્ષાના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં વિવિધ પ્રકારના પ્રદૂષણથી માનવ જીવ, પશુ, પક્ષી, જંગલ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને પારાવાર નુકસાની થયેલ અંગે વર્ષોથી અનેક લોકોએ ફરિયાદો કરેલ છે.
આ ફરિયાદીઓ પૈકીનાં દેવરામ વાલા ચારણની ફરિયાદનાં અનુસંધાને દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટેની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી,સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્સનાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા. દેવરામ વાલા ચારણ અને અન્ય ફરિયાદીઓની ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ ફેક્ટરી તેના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઝેરી રજકણો બહાર કાઢે છે જેથી કરીને સુરજ કરાડીના ઉદ્યોગ નગર દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થાય છે.
ફરિયાદીઓની એવી ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ વર્ષોથી સોલિડ કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટનું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરતી હોય ત્યારે અહીં મોટા મોટા ડુંગરો સોલિડ વેસ્ટ કેમિકલનાં ખડકેલા છે જેથી આસપાસના ગ્રામ્ય કક્ષાનાં ખેતરોની જમીન બંજર થઈ ગઈ છે. જંગલો નાશ પામ્યા છે. સમુદ્ર કિનારે થતા ચેરના હજારો વૃક્ષો નાશ પામ્યા છે. મીઠાપુરના આસપાસના સૂરજકરાળી,આરંભડા ભીમરાણા જેવા ગામોના તળાવો ટાટા કેમિકલ્સના પ્રદૂષણથી ઝેરી પાણીથી ભરેલા છે. આ ઉપરાંત ટાટા કેમિકલ્સના પ્રદૂષણના ઢગલાના હિસાબે વરસાદ સમયે પ્રદૂષિત વરસાદી પાણી આસપાસના વિસ્તારમાં જતું હોય જમીનના જળ તલ ખારા થઈ ગયા છે. સૌથી અગત્યની વાત કરીએ તો ટાટા કેમિકલ્સનું જે પ્રવાહી કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતું હોય ત્યારે સમુદ્રનો ઘણો બધો ભાગ પ્રદૂષિત થતા મરીન લાઈફ એટલે કે સમુદ્રી જીવસૃષ્ટિને ખૂબ જ મોટી હાનિ પહોંચી છે. બેટ અને આરંભડાના સ્થાનિક નાના માછીમારોની રોજી રોટી છીનવાઈ ગઈ છે.
છેલ્લા ઘણા વર્ષોથી જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં માછલીઓ રહેતી હતી તે હવે ત્યાં જોવા મળતી નથી એટલે સેકડો કુટુંબોનું રોજીરોટી આ ટાટા કેમિકલ્સના પ્રદૂષણના હિસાબે બંધ થઈ ગઈ છે તેવો સ્થાનિક માછીમારોનું આક્ષેપ છે. ટાટા કેમિકલ્સના આ પ્રદૂષણના લીધે પાંચ કિલોમીટર સુધીનો દરિયો બુરાઈ ગયો છે દરિયાની અંદર ટાટા કેમિકલ્સનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે કાંઠાથી ત્રણ-ચાર કિલોમીટર સુધી કોઈ જાતની સમુદ્રી જીવ સૃષ્ટિ જોવા મળતી નથી સમુદ્રના તળ ઉપર ત્રણથી ચાર ફૂટ સુધી ટાટા કેમિકલ્સનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.