ઓકટોબરમાં ઈન્ટરનેશનલ ફલાઈટ ઊડી શકે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના મામલે તાબડતોબ થાગડથીગડ સ્પષ્ટતા, ઓકટોબર શેડયૂલમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ થઈ શકે છે
રાજકોટમાં કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્થપાયા બાદ ઈન્ટરનેશનલ ફલાઈટ હાલમાં શરૂ થશે નહીં તેવી એરપોર્ટ ઓથોરિટીની જાહેરાત બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે હોબાળો મચી જતાં અને નારાજગી ફેલાતા રાજકોટ એરપોર્ટના સત્તાધિકારીઓએ બે દિવસમાં જ યુ ટર્ન લીધો છે અને આગામી ઓકટોબર શેડયુઅલમાં રાજકોટથી ઈન્ટરનેશનલ ફલાઈટ ઉડી કે છે તેવો નરોવા કુંજરોવા જેવો ખુલાસો સોશ્યલ મીડિયા મારફધત કર્યો છે.
જો કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાજકોટ એરપોર્ટના ડાયરેકટર દિગંત બોરાના નામે આજે મીડિયાને વોટસએપ મેસેજથી જણાવેલ છે કે, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કરી રહી છે જે ટૂંક સમયમાં ખોલવામાં આવશે.
આ ટર્મિનલ બિલ્ડીંગમાં ડોમેસ્ટીક સાથે આંતરરાષ્ટ્રીય ફલાઈટનું પણ સંચાલન કરવા માટે ઈમિગ્રેશન અને કસ્ઠમ સહિતની સુવિધાઓ છે.
મેસેજમાં વધુમાં જણાવ્યું છે કે ઓકટોબર 2024થી શરૂ થતાં શિયાળુ સમય પત્રકમાં એલાઈન્સ આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરે તેવી શકયતા છે. આમ આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ થશે તેવી શકયતા દર્શાવવામાં આવી છે.
ફલાઈટ શરૂ જ થશે તેવું જણાવાયું નથી. ચાર દિવસ પહેલા એરપોર્ટ ઓથોરિટીના જ સુત્રોએ જાહેર કર્યુ હતું કે, રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલાઈટ ઉડે તેવી શકયતા ઓછી છે. કેમ કે ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે નવું ટર્મિનલ બનાવવામાં આવશે. હાલ રાજકોટથી ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા કોઈ એરલાઈન્સ દ્વારા દરખાસ્ત કરવામાં આવી નથી. માટે હાલ ઘરેલું ફલાઈટનું જ ઓપરેશન કરવામાં આવશે.
અગાઉ જાહેર કરાયું હતું કે, હાલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઘરેલું ફલાઈટ ઉડાડવાનો જ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં જરૂર પડે તો ઈન્ટરનેશનલ ફલાઈટ રૂ કરવા માટે નવું ટર્મિનલ બનાવવા નિર્ણય લેવાયો હતો.
આ અહેવાલો બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને ચૂંટણી સમયે મત મેળવવા માટે ભાજપે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નામે લોકોને મુર્ખ બનાવ્યા હોવાના આક્ષેપો થયા હતાં. કોંગ્રેસે પણ આંદોલનાત્મક કાર્યક્રમ આપ્યો હતો અને વ્યાપાર ઉદ્યોગ સંગઠનોએ પણ નારાજગી વ્યકત કરી હતી.
અંતે આજે અચાનક જ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેકટર દિગંત બોરાએ મીડિયા સમક્ષ આવી સ્પષ્ટતા કરવાના બદલે ઓકટોબરથી ઈન્ટરનેશનલ ફવાઈટ શરૂ થઈ શકે છે તેવો વોટસએપ મેસેજ કરી દીધો છે. લોકોનો આક્રોશ ખાળવા માટે આ અધકચરી સ્પષ્ટતા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.