ફ્લાવર બેડમાં વચગાળાની રાહત: ગ્રીલ ન હોય તો કમ્પ્લીશન મળશે
બિલ્ડર એસો.ની રજૂઆત સરકારમાં પેન્ડિંગ પરંતુ કોર્પોરેશને રસ્તો કાઢી બાંધકામ ક્ષેત્રને ધમધમતું કરવાનો પ્રયાસ કર્યો
બે ફૂટના ફ્લાવર બેડ માટે કબાટના ખાંચામાં પાટિયા ફરજિયાત મારવાનો નિયમ બિલ્ડર લોબીને ખૂંચ્યો હોવાની ચર્ચા
શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફ્લાવર બેડના નામે બિલ્ડરો દ્વારા ઉઘાડી લૂંટ થતી હોવાનું થોડા સમય પહેલા બહાર આવ્યું હતું.
એપાર્ટમેન્ટમાં ફ્લાવરબેડના નામે બાલ્કની દર્શાવી કાર્પેટમાં ગણતરી કરી બિલ્ડરો દ્વારા ગ્રાહક પાસેથી પૈસા વસુલવામાં આવતા હતાં. જેના ઉપર કોર્પોરેશને બ્રેક મારતા છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે બિલ્ડર એસોસીએશને સરકાર સુધી રજૂઆત કરી હતી.
જેનો જવાબ આજ સુધી આવ્યો નથી. પરંતુ બાંધકામ ઉદ્યોગને ધમધમતો રાખવા કોર્પોરેશને વચલો રસ્તો કાઢી બે ફૂટનું ફ્લાવર બેડ કાઢેલ હોય તેમાં ગ્રીલ ન લગાવી અને બાલ્કની તરીકે ઉપ્યોગ ન દર્શાવે તેમજ ફ્લાવર બેડની બાજુમાં મુકેલા ખાંચામાં પાટિયા લગાવી દેવામાં આવે તો કમ્પ્લીશન સર્ટી મંજુર કરવામાં આવે તેવો રસ્તો કાઢ્યો હોવાનું જાણવા મળેલ છે.
ટાઉન પ્લાનીંગ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફ્લાવરબેડ મુદ્દે કોકડું ગુંચવાયેલું છે. વર્ષો પહેલા સરકારે બહુમંજીલી ઈમારતોમાં ફુલજાડ રાખી શકાય તે માટે ફ્લાવરબેડને એફએસઆઈમાં છુટ આપી મંજુરી આપી હતી. પરંતુ ફ્લાવર બેડને બાલ્કનીમાં ગણતરી કરી કાર્પેટ એરિયા મુજબ ગ્રાહકો પાસેથી પૈસા વસુલાતા હોવાનું તેમજ બે ફૂટના બદલે તમામ બેડરૂમમાં ચાર ચાર ફૂટના ફ્લાવરબેડના નામની બાલ્કનીઓ બનાવી નાખતા હોવાનું બહાર આવેલ જેની સામે બિલ્ડરો દ્વારા પ્લાન મુકવામાં આવે ત્યારે નક્શામાં ફ્લાવરબેડની બાદબાકી કરાતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. આથી આ મુદ્દે કોર્પોરેશને ગેમઝોન દુર્ઘટના બાદ કડક વલણ અપનાવી ફ્લાવર બેડ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેના લીધે અનેક હાઈરાઈઝ બિલ્ડીંગોના પ્લાન અટકી પડ્યા છે અને બિલ્ડર એસોસીએશન દ્વારા ફ્લાવર બેડની છૂટ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવેલ જેનો જવાબ હજુ સુધી આવ્યો નથી ત્યારે ફ્લાવરબેડની કાઢવામાં આવેલ જગ્યા ફરતે જો ગ્રીલ મુકવામાં ન આવે અને પ્રવેશવાના માર્ગ ઉપર વિન્ડો ફૂટ કરી બાજુના ખાંચામાં પાટિયા ફીટ કરે તો કમ્પ્લીશન સર્ટી આપવાની તૈયારીઓ ટાઉન પ્લાનીંગ વિભાગે કરી હોવાનું જાણવા મળેલ છે.
ટાઉન પ્લાનીંગ વિભાગે બિલ્ડર એસોસીએશનને આ બાબતની જાણ કરી હોવા છતાં મોટા ભાગના બિલ્ડરો ફ્લાવર બેડ મુદ્દે પુરે પુરી છુટછાટ ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેની સામે અત્યાર સુધી બની ગયેલા હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર બેડનો ઉપયોગ બાલ્કનીમાં થઈ રહ્યો છે. તેની સામે શું પગલા લેવામાં આવે તેવા પ્રશ્ર્નો પણ ઉઠી રહ્યા છે.
આથી હાલ કોર્પોરેશને કમ્પ્લીશન સર્ટી હાઈરાઈઝ બિલ્ડીંગોને મળી રહે અને ફ્લેટનું વેચાણ થાય તે મુજબનો વચગાળાનો રસ્તો કાઢ્યો હોવાનું જાણવા મળેલ છતાં ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી આ બાબતે કોઈ જાતનો પરિપત્ર જાહેર થયો હોય તેની જાણકારી મળેલ નથી. ફક્ત સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ફ્લાવર બેડનો વચગાળાનો રસ્તો નિકલ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ઈમ્પેક્ટ ફીના નિયમએ ટીપી વિભાગને ચકરાવે ચડાવ્યું
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાં ગેમઝોન દુર્ઘટના બાદ છાશ પણ ફુકી ફુકીને પીવાતી હોય તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ફ્લાવર બેડનો મુદ્દો હાલ ભારે ચર્ચામાં રહ્યો છે અને વચગાળાનો રસ્તો પણ ટીપી વિભાગે કાઢ્યો હોવાનું જાણવા મળ્યો છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામો નિયમીત કરવા માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ઈમ્પેક્ટ ફીનો નિયમ ટીપી વિભાગને ચકરાવે ચડાવી રહ્યો છે. કારણ કે, ગેરકાયદેસર બાંધકામની વ્યાખ્યામાં આવતા હોય તેવા બાંધકામોને નોટીસ અપાયા બાદ આસામી દ્વારા આ બાંધકામનું ઈમ્પેક્ટ ફી હેઠળ લઈ જવામાં આવે છે. જેના લીધે આ કાયદો આવ્યાબાદ અનેક ગેરકાયદેસર બાંધકામો ઉભા થઈ ગયાનું ખુદ ટીપી વિભાગના અધિકારીઓ જ કહી રહ્યા છે. છતાં નિયમની અમલવારી માટે ટાઉન પ્લાનીંગ વિભાગ કોઈ જાતની બાંધછોડ કરવા તૈયાર નથી જેના લીધે આગામી દિવસોમાં સરકાર ફ્લાવર બેડ મુદ્દે નમતુ નહીં જોખે તો અગાઉ બની ગયેલા ફ્લાવર બેડો ઉપર જોખમ તોડાઈ રહ્યું હોવાની પણ ચર્ચા જાગી છે.