રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા
ગોંડલ તાલુકાના રિબડા રેલવે સ્ટેશન નજીક ત્રણ દિવસ અગાઉ ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. 24 નવેમ્બરના રોજ બપોરના સમયે ગાંધીનગરથી વેરાવળ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ (ટ્રેન નં. 19119) પર પથ્થરમારો થયો હતો.
આ ઘટનામાં ટ્રેનના ગાર્ડને આંખના ભાગે ઇજા પહોંચી હતી.આથી તરત જ રેલવે ક્ધટ્રોલને જાણ કરવામાં આવી હતી અને ટ્રેન જેવી ગોંડલ રેલવે સ્ટેશન પહોંચતાં જ મેડિકલ ટીમે ગાર્ડને પ્રાથમિક સારવાર આપી દીધી હતી અને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
ઘટના અંગે વધુમાં મળતી વિગતો મુજબ ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે કોઇ ટીખળીએ પથ્થરમારો કર્યો હતો, પથ્થર વાગતા ગાર્ડે તાત્કાલિક રેલવે કંટ્રોલને જાણ કરી હતી. ટ્રેન ગોંડલ રેલવે સ્ટેશન પહોંચતા જ ત્યાં તૈનાત રેલવે મેડિકલ ટીમે ગાર્ડને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.