દિલ્હી બ્લાસ્ટને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકામાં સઘન ચેકિંગ
બેટ દ્વારકામાં પણ પોલીસ તંત્ર એલર્ટ, હોટેલ ચેકિંગ, વાહન ચેકિંગ સહિતની કડક ઝુંબેશ
દિલ્હીના લાલ કિલ્લા ખાતે સોમવારે સાંજે થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. તેમાં પણ ખાસ કરીને સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડએ જણાવ્યું હતું કે દિલ્હી બ્લાસ્ટના પગલે દ્વારકાના મુખ્ય જગતમંદિરની સુરક્ષા વધુ સધન બનાવવામાં આવી છે. અહીં હથિયારધારી એસ.આર.પી.ના જવાનોને ખાસ ફરજ સોંપવામાં આવી છે. મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધુ સધન બનાવી દેવામાં આવ્યું છે. મંદિરમાં અગાઉ પાણીની બોટલ જેવો સામાન લઈ જવાની છૂટ હતી. પરંતુ હવે કોઈપણ વ્યક્તિ પાણીની બોટલ સહિતનો કોઈપણ પ્રકારનો સામાન સાથે લઈ જઈ શકશે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે મહત્વના એવા બેટ દ્વારકામાં પણ દ્વારકાધીશ મંદિરને અનુલક્ષીને ચેકિંગ હાઈ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું છે. અહીં સંવેદનશીલ વિસ્તાર હોય, અને આસપાસ વિશાળ દરિયાકાંઠો હોવાથી વિવિધ પ્રકારે ચેકિંગ ઉપરાંત બોટ અને વાહન ચેકિંગ પણ વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે. દેશના છેવાડાના એવા ઓખામાં કોસ્ટલ સિક્યુરિટી પણ મજબૂત બનાવી અને અહીં દરિયામાં જતી વિવિધ પ્રકારની ફિશીંગ બોટનું પણ ચેકિંગ કાર્ય વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ સાથે ફિશિંગ બોટને લઈને જતા-આવતા લોકોના કોલને વેરીફાઈ કરવા સહિતની કામગીરી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ સ્થળોએ સધન પેટ્રોલિંગ સાથે દ્વારકા ડિવિઝનની તમામ ચેકપોસ્ટ પર પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત દ્વારકા ટાઉન ખાતે પણ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ધાબા ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના જુદા જુદા પબ્લિક પ્લેસમાં પણ સ્થાનિક પોલીસની ટુકડીઓ દ્વારા કડક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી સમયમાં પણ આ કામગીરી અવિરત રીતે કાર્યરત રહેનાર હોવાનું પણ ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું છે. અહીં આવતા જતા યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોને અપીલ કરતાં ડીવાયએસપી રાઠોડએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કે વાહન શંકાસ્પદ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો. આટલું જ નહીં, કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ કે બિનવારસુ બેગ જેવો સામાન જણાઈ આવે તો પોલીસને જાણ કરવી, જેથી અનિચ્છનીય બનાવ બનતા અટકાવી શકાય.