રાજકોટ જિલ્લાના મતદારોની ફોટાવાળી યાદી તા.15મી સુધીમાં જાહેર કરવા સૂચના
આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના કલેક્ટરોને સૂચના આપી છે. જેના પગલે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના 11 તાલુકાની 65 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની પ્રોવિઝનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાની 242 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીઓ યોજાવાની છે, જેની પણ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવી છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર, તમામ મતદાર યાદીઓને 15 તારીખ સુધીમાં અંતિમ સ્વરૂૂપ આપીને ફોટોવાળી યાદી જાહેર કરવાની રહેશે અને રાજ્ય ચૂંટણી પંચને તેનો અહેવાલ સુપરત કરવાનો રહેશે.
રાજકોટ જિલ્લામાં સામાન્ય ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયતોમાં રાજકોટ તાલુકાની 5, કોટડા સાંગાણીની 2, લોધિકાની 1, પડધરીની 3, ગોંડલની 6, જેતપુરની 4, ધોરાજીની 2, ઉપલેટાની 4, જામકંડોરણાની 7, જસદણની 15 અને વિંછીયાની 16 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જ્યારે પેટાચૂંટણીઓ યોજાનાર ગ્રામ પંચાયતોમાં રાજકોટ તાલુકાની 46, કોટડા સાંગાણીની 17, લોધિકાની 13, પડધરીની 28, ગોંડલની 34, જેતપુરની 24, ધોરાજીની 11, ઉપલેટાની 17, જામકંડોરણાની 25, જસદણની 15 અને વિંછીયાની 12 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.