નવા મંત્રીઓ માટે બંગલા, ઓફિસ અને કારની વ્યવસ્થા કરવા સૂચના
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓની વિગતો મંગાવાઇ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળની રચના પૂર્વે ગઈ કાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા બાદ તેમના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે હાઈકમાન્ડના નિર્ણયની મંત્રીઓને જાણકારી આપી હતી. ત્યાર બાદ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા હતાં.
મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં હાઈકમાન્ડના નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા હતાં. જે મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે તેમની સાથે પણ બેઠક યોજવામાં આવી હતી અને હાઈકમાંન્ડના નિર્ણયની જાણ કરાઈ હતી.
વહિવટી તંત્રએ પણ નવા મંત્રીઓની ગાડીઓ અને બંગલા અંગેની વિગતો મેળવવાનું શરૂૂ કરી દીધું છે.
ગુજરાત સામાન્ય વહિવટ વિભાગને રાજ્ય સરકારના નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના આપી દેવામાં આવી છે. જેથી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓ અંગે વિગતો મંગાવવામાં આવી છે. શપથવિધિ બાદ નવા મંત્રીઓને વાહન અને મકાનો ફાળવવામાં આવશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જે મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા તેમના બંગલા અને ગાડીઓ પરત લેવામાં આવશે. આ બંગલા અને ગાડીઓ નવા મંત્રીઓને ફાળવવામાં આવશે. રાજીનામું આપનાર કેટલાક મંત્રીઓએ ઓફિસો ખાલી કરવાનું શરૂૂ કરી દીધું છે. ભગવાન સહિતનો સામાન ખાલી કરવામાં આવ્યો છે.