હેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆત
રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલમેટ ફરજીયાત કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને ઉગ્ર વિરોધ ઉઠયો છે ત્યારે લોકોનો રોષ જોઇ ભાજપના ધારાસભ્યો પણ સક્રિય થયા છે અને મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપને નુકશાન જાય નહીં તે માટે હેલમેટના કાયદાની કડક અમલવારી નહીં કરવા સરકારમાં ધા નાખી છે.
મળતી માહિતી મુજબ રાજકોટના ભાજપના ધારાસભ્યો ઉદય કાનડક, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતા અને હેલમેટના કાયદાની અચાનક કડક અમલવારી તથા દંડ ઉઘરાવવાના બદલે હાલ ગુલાબનું ફુલ આપી હેલમેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કરવા રજુઆત કરી હતી.
ધારાસભ્યોએ વાહન ચાલકો સાથે બળજબરી કરવાના બદલે સ્વૈચ્છીક હેલમેટ પહેરતા થાય તેવા પ્રયાસો કરવા રજુઆત કરી હતી. જેના પગલે ગૃહમંત્રીએ પણ રાજકોટ પોલીસને હેલમેટના કાયદાનો અમલ કડકાઇ પુર્વક નહીં કરવા સુચના આપી હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું હતું.
રાજકોટના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, હેલમેટના મામલે અમે રાજકોટની જનતા સાથે છીએ. વાહન ચાલકો હેલમેટ પહેરે તે માટે જાગૃતિ કેળવવા છેલ્લા બે માસથી કાર્યક્રમો ચાલી રહ્યા હતા. ગઇકાલથી પોલીસે અચાનક કડક અમલવારી શરૂ કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે ત્યારે કડક અમલવારીના બદલે વાહન ચાલકોને જાગૃત કરી સ્વયં હેલમેટ પહેરતા થાય તેવા પ્રયાસો કરવા રજુઆત કરાઇ હતી. અમે પણ આગ્રહ કરીએ છીએ કે વાહન ચાલકોએ સલામતી માટે હેલમેટ પહેરવી જોઇએ.