પોલીસમાં જુદી-જુદી ભરતીના બદલે એક સાથે કરો : હાઇકોર્ટ
પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે હાલ પોલીસ ભરતીના પ્રથમ તબક્કામાં સીધી ભરતી પ્રક્રિયામાં PSI ભરતીની 50 હજાર ઉત્તરવહી તપાસાઈ રહી છે, જેનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર મહિના જાહેર થશે. હાઇકોર્ટે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદ્દા પર જુદીજુદી ભરતી કરવાની જગ્યાએ એક સાથે ભરતી પ્રક્રિયા કરવી જોઇએ, જેથી સમય બગડે નહીં અને ખાલી પોસ્ટ જલ્દી ભરાય.
આગામી સમયમાં કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ભરતીમાં આ પ્રકારે પરીક્ષા યોજાઈ શકે છે. જેલ સિપાહી માટે કેટલીક લાયકાત અલગ હોય છે. પરંતુ પરીક્ષામાં પ્રાધાન્ય આપીને કોમન ભરતી યોજી શકાય છે. આ સાથે જ આગામી સમયમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા શરૂૂ કરવા જાહેરાત આપવામાં આવશે. કોર્ટ મિત્રે કહ્યું હતું કે વર્તમાન ભરતી પ્રક્રિયામાં PSI અને કોન્સ્ટેબલની ભરતી સાથે કરવામાં આવી હતી. જેમાં કોન્સ્ટેબલનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પાડ્યું છે.
જ્યારે PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવશે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે પહેલા હાયર પોસ્ટનું પરિણામ બહાર પાડો, પછી લોઅર પોસ્ટનું પરિણામ જાહેર કરવું જોઇએ. લોઅર પોસ્ટમાં સિલેક્ટ થયા બાદ જો ઉમેદવાર હાયર પોસ્ટમાં પણ સિલેક્ટ થાય તો લોઅર પોસ્ટમાં જગ્યાઓ ખાલી પડે છે. પરંતુ પહેલા જ હાયર પોસ્ટમાં સિલેક્ટ ન થયાનું ખબર પડે તો આજના જમાનામાં રોજગારી બધાને જોઈતી હોવાથી તેઓ નોકરી જતી કરતા નથી.