મોંઘવારી છતાં પિચકારી-રંગો, ખજૂર, ધાણી-દાળિયાની ધૂમ ખરીદી
- ત્રણ દિવસનું મિનિ વેકેશન, ઘણાં લોકોએ રજાઓમાં પિકનિકના પ્લાનિંગ ગોઠવ્યા
હોળી અને ધુળેટી તહેવારને લઈને જામનગરની બજારો ધીમે ધીમે રંગબેરંગી કલર અને પિચકારીઓથી સજ્જ બની રહી છે. આ વર્ષે પ્રથમ વખત 30%ના ભાવ વધારા સાથે ચાઈના બજાર પર મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનો હાવી થઈ રહ્યા છે. બજારોમાં હોળી-ધુળેટીની ઈકો ફ્રેન્ડલી સામગ્રી પણ ડિમાન્ડમાં છે.હોળી અને ધુળેટીના તહેવારો સામે છે ત્યારે સ્થાનિક બજારમાં વિવિધ પ્રકારની પિચકારી, કલર અને અન્ય સામગ્રીનું વેચાણ વધી રહ્યું છે. ઘણા વર્ષો પછી પ્રથમ વખત આ વખતે હોળી અને ધુળેટીના તહેવારોમાં ચાઈના બજાર પર મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ભારે પકડ જમાવતી જોવા મળી છે.
જામનગરની બજારમાં હોળી-ધુળેટીની સામગ્રીમાં 30 %નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. રંગબેરંગી કલર, અવનવી ડિઝાઈન અને આકારની પિચકારીઓની સાથે ઈકો ફ્રેન્ડલી ગુલાલની પણ ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે.
આ વર્ષે બજારમાં 50થી લઈને 2500 સુધીની અવનવી ડિઝાઈન, આકાર અને કદની પિચકારીઓ બજારમાં જોવા મળે છે. જે સંપૂર્ણપણે સ્થાનિક ભારતની બજારમાં બનાવવામાં આવી છે. આ સિવાય હર્બલ ગુલાલની રેન્જ પણ બજારમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે. જે હરિયાણા અને દિલ્હીના સ્થાનિક ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવી છે. આ સિવાય આ વખતે પ્રથમ વખત મેટલમાંથી બનાવેલ ખૂબ નાના કદની પિચકારી પણ જોવા મળે છે.
પાછલા ઘણા વર્ષોથી તહેવાર અનુસાર સીઝનલ બિઝનેસ કરતા વેપારી એ જણાવ્યું હતું કે, આ વર્ષે ચાઈનાનો માલ બિલકુલ બંધ છે. ભારતમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ બજારમાં આવવાથી કલર-પિચકારી સહિત તમામ ચીજ વસ્તુઓમાં 30 ટકા જેટલો ભાવ વધારો થયો છે.
લોકો દાળિયા, ખજૂર, ધાણી, રંગ, પિચકારી વગેરેની ખરીદી કરી રહ્યાં છે. પરંતુ ગત વર્ષ કરતા ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. છતાં પણ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે.
હોળી અને ધુળેટીના પર્વનું માહોલ જામ્યો છે અને હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ખજૂર, દાળિયા તેમજ હાયડાના ભાવમાં 30થી 40% નો વધારો થયો છે. પરંતુ ખરીદીનો માહોલ હાલ ચાલી રહ્યો છે.
શહેરી વિસ્તારની અંદર આવેલી જાહેર માર્કેટ તેમજ ધાણી, ખજૂર અને પિચકારીના હોલસેલ ભાવના સ્ટોલ ઉપર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચે છે અને હાલ ખરીદીનો માહોલ ચાલી રહ્યો છે.